વાત : ૨૫૦

દેહને વિષે, પંચ વિષયને વિષે ને ભગવાનને વિષે જેવો અભિનિવેશ (ઉપાસનાની દૃઢતા) છે તેવો સંતને વિષે નથી ને સંત તો એના કરાવનારા છે. ત્યારે સ્વામી કહે જે શ્રીહરિજીને વિષે અભિનિવેશ નથી. તે મહારાજ સાથે વ્યવહાર પડે ત્યારે જણાય. તે કહ્યું છે જે ‘व्यवहारेण साधु‘ (વ્યવહારે કરી સાધુ જણાય) તે આની કોર તો એવો કોઈ નથી ને એની કોર હોય તો કોણ જાણે. એની કોર પણ કોઈ નથી ને શ્રીજીમહારાજના મહિમાનો ને આત્મનિષ્ઠાનો ઠરાવ નિત્ય પ્રલયાદિકે કરીને વારંવાર આગ્રહ રાખીને કર્યા કરે તો અભિનિવેશ થાય છે, તે હરિભક્તના દૃષ્ટાંતે કરીને આગ્રહની વાર્તા બહુ કરી તે અભિનિવેશ થયો કેમ જણાય ? તો શ્રીજીમહારાજ તથા સત્પુરુષ હજારનો વ્યવહાર ધૂળમાં ભેળવી દે તો પણ રાજી ને રાજી રહેવાય ને લગારે પણ ભાવ ફરે નહિ ત્યારે દૃઢ અભિનિવેશ થયો કહેવાય અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય તે વાર્તા સાંભળે છે તો ખરા પણ વર્તન વિશે ઘટાડતાં આવડતું નથી. જેમ પ્રથમ શાસ્ત્ર ભણ્યા હોય છે તો પણ બીજે ઠેકાણે ઘટાડતાં આવડતું નથી તેમ છે. એમ વાર્તા વિસ્તારથી કરી.।।૨૫૦।।