વાત : ૨૫૩

જાણપણારૂપે વર્ત્યાનો ને ધર્મમાં દૃઢપણે રહ્યાનો ને શ્રીહરિજીનો મહિમા સમજ્યાનો અતિશય આગ્રહ રાખવો ને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીમહારાજને ભજવા પણ ખરડેલપણે ન ભજવા. તે શ્રીજીમહારાજે આ શ્લોકમાં કહ્યું છે જે :

२धर्मस्थितै रूपगतैर्बहता सहैक्य ।

सेव्यो हरिः सितमहः स्थितदिव्यमूर्तिः।।

शब्दाधरागिभिरिति स्वमतं वदंतं ।

त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये।।

(અર્થ :- શબ્દાદિક વિષય રાગે રહિત, પોતાના વર્ણાશ્રમધર્મમાં સદા વર્તતા, અને અક્ષરબ્રહ્મ સાથે આત્મસ્વરૂપના સાધર્મ્યપણાનેવિચારતા, અર્થાત્‌ હું અક્ષરબ્રહ્મરૂપ છું, એવી ભાવના કરતા જનોએ અક્ષરબ્રહ્મના તેજઃપુંજ મધ્યે નિત્ય વિરાજમાન, દિવ્યમૂર્તિ જેમની છે એવા ભગવાન સદા ઉપાસ્ય છે. આવા પોતાના સિદ્ધાંતને કહેનારા, ભક્તિધર્મના પુત્ર ! આપના શરણને પામું છું. - સ. જી. પ્ર. ૫, અ. ૬૬-૨૧)

અને જે સત્તારૂપ થઈને ધ્યાન કરે છે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે ને જે દેહરૂપ થઈને ધ્યાન કરે છે તેને તો ઇંદ્રિયોનું જ્ઞાન વૃદ્ધિ પામે છે ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એ જેમ કઠણ છે તેમ ધર્માદિક સાધન પણ અતિ કઠણ છે.।।૨૫૩।।



ટિપ્પણી

ખરડેલપણેઃ ઘડીમાં દેહરૂપ ને ઘડીમાં બ્રહ્મરૂપ વર્તવું તે.