વાત : ૩૦
શ્રીજીમહારાજ ગુજરાતમાં હતા પછી અસુરે આવીને સંતને કષ્ટ દીધું ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મારા પરમહંસોની સર્વે મોટા મોટા દેવ તથા અક્ષરાદિક મુક્ત ને સર્વ અવતાર તે પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે ને એક કીડી જેવા જીવને પણ દુભે નહિ એવા જે સંત તેને દુષ્ટે દુઃખ દીધું. પછી એમ કહીને ઉત્તર મુખે ઉદાસી થઈને બેઠા. તેટલાકમાં બ્રહ્માદિક દેવોએ જાણ્યું જે આજ તો સર્વે બ્રહ્માંડનો નાશ થાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે હે મહારાજ ! તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ ને અમે તમારા સેવક છીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે ? તેનો ક્ષણ માત્રમાં નાશ કરીએ. પછી દિવ્ય ચક્ષુવાળા સંત રામદાસભાઈ હતા. તેમણે કહ્યું જે હે સ્વામીન્ ! આજે તમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છો ને સાધુનું તો કોઈ માન, અપમાન કરે તે સહન કરવું તે સંતનો ધર્મ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સર્વે આપણું કર્યું થાય છે. જુઓને સર્વે અવતાર અમારે વિષે લીન થાય છે ને આ સર્વ સભાને અમે અક્ષરધામને વિષે દેખીએ છીએ અને જે આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે અને જે નથી માનતા તેનું નથી થતું. અને અમારા શરીરમાં કાંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવોનો નાશ થઈ ગયો ને જ્યારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગ કર્યાં ને તાટ પહેર્યાં ત્યારે જગતમાં અન્ન વસ્ત્ર મળ્યું નહિ ને હેરાન થઈ ગયા. માટે સર્વે આપણું જ કર્યું થાય છે, બીજા કોઈનું કર્યું થાતું નથી ને તમારા શરીરમાંથી કોટી કોટી સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નીકળે છે એવા સામર્થ્યે યુક્ત તમે છો એમ હું દેખું છું. પછી તે સંત બોલ્યા જે હે મહારાજ ! તમે તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ છો. માટે તમે દેખો તેમાં શું કહેવું ? તમે તો દિવ્ય એવા જે ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પાર્ષદ ને શક્તિઓ તેણે યુક્ત એવા અનાદિ નિત્ય, સિદ્ધ, સર્વોત્કૃષ્ટ, પરિપૂર્ણ ને અનવધિકાતિશય કલ્યાણકારી ગુણે યુક્ત તથા એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદને ઘેર પ્રગટ થયા છો. અને તમારી ઉપાસના થકી અમે પણ પરાવર અને હસ્તમાળ દેખીએ છીએ ને ધર્મ, જ્ઞાન આદિક અનંતગુણે યુક્ત થયા છીએ. માટે કોઈ માન અપમાન કરે તેનો ભાર ગણતા નથી ને તમારી મરજી ને રાજીપો જેમ હશે તેમ કરશું અને અમારે આ લોક પરલોકમાં તમારા વિના બીજું કાંઈ વહાલું નથી અને તમે તો અમારા જીવનપ્રાણ છો અને તમને પ્રસન્ન કરવાને તો અનંત જન્મ ધરીને માયિક સુખ ને ભૂંડા સ્વભાવ તેનો ત્યાગ કરી દઈએ. ।। ૩૦ ।।
ટિપ્પણી
પરાવરઃ સમગ્રપણે.