વાત : ૨૭૬
આટલી વાર્તા કલ્યાણે અર્થે સમજવાની છે જે જીવ છે તે ઇન્દ્ર, બ્રહ્માદિક દેવને વિષે તથા મનુષ્ય, પશુ આદિક યોનિને વિષે અનેક વાર જન્મ મરણને પામ્યો છે તો પણ પોતે તો એવો ને એવો શુદ્ધ છે. જેમ આકાશ ચાર ભૂતના સંગે કરીને રંજ માત્ર પણ મેલો થતો નથી તેમ એ આત્મા શુદ્ધ છે ને પ્રકટ ભગવાનનો આશ્રય થયા પછી એ આત્માને અક્ષર સંગાથે મનન દ્વારાએ કરીને એકતા સમજીને શ્રીજીમહારાજનું ભજન કરવું ને પોતાને પ્રત્યક્ષ મળ્યા એવા જે શ્રીજીમહારાજ તેમને સર્વ અવતાર થકી વિલક્ષણ સમજવા ને એમનું જેવું બોલવું છે, ને એમની જેવી ચાલ છે, ને જેવું સુગંધીપણું છે, ને જેવી લાવણ્યતા છે, ને જેવી વાત્સલ્યતા છે, ને જેવી દયા છે, ને જેવું જ્ઞાન છે, ને જેવું તેજ છે, ને જેવું ઐશ્વર્ય છે, ને જેવું બળ છે, ને જેવું સ્વરૂપ છે, ને જેવી શક્તિ છે, ને જેવો સ્વભાવ છે, ને જેવો ગુણ છે, ને જેવી વિભૂતિ છે, ને જેવું સુંદરપણું છે, ને જેવું સુકુમારપણું છે, ને જેવું સુશીલપણું છે, ને જેવું ઉદારપણું છે, ને જેવું ઉજ્જવળપણું છે. ઇત્યાદિક અનંત ગુણગણમંડન રૂપ તો એક જ શ્રીજીમહારાજ છે. એ જેવા બીજા કોઈ નથી. અક્ષરથી લઈને બ્રહ્માદિક પર્યંત એ સર્વે જે તે પુરુષોત્તમ શ્રીહરિજી મહારાજ તેમની ઉપાસના ને ભજન સ્મરણ કરે છે ને એવા એ શ્રીજીમહારાજ છે તેમની પ્રસન્નતાને અર્થે નવધા ભક્તિ અતિશય હેતે સહિત કરવી ને એ વાર્તા શ્રવણ મનનાદિકે કરીને અતિ દૃઢ કરવી.।।૨૭૬।।
ટિપ્પણી
આકાશ પર ભૂતના સંગે મેલો થતો નથીઃ પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ભૂતથી આકાશરૂપી પાંચમું તત્ત્વ મેલું થતું નથી.
ગુણગુણમંડનઃ ગુણના સમૂહથી યુક્ત.