વાત : ૪૪૦
આ દેહમાં ઉત્તમ રુચિ પક્વ કરે તો હવે જે દેહ આવશે એમાં ઐશ્વર્ય, સામર્થી, ને તેજ બહુ આવશે. તે ઉત્તમ રુચિ રાખવી તે કેમ સમજવું ? ઉત્તર : જે જીવ તો મલીન, રજ, તમ ને સત્ત્વ ગુણ તેણે કરીને યુક્ત વર્તે છે ને કર્મવશ છે ને જે જે યોનિમાં જાય છે ત્યાં તેવો જ થઈ જાય છે ને ઈશ્વર છે તે તો શુદ્ધ સત્ત્વમય જે દૃઢ ગ્રંથિ તેણે યુક્ત વર્તે છે ને જે મૂળપુરુષ છે તે તો સત્ત્વગુણથી ક્યારેક જુદા વર્તે છે ને ક્યારેક મિશ્રિત ભાવે વર્તે છે પણ ચોખ્ખું જુદું વર્તાતું નથી ને જે માયા છે તે જડ ચૈતન્યમય છે ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે. તે ગીતામાં કહ્યું છે જે
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ ! मनोगतान् ।
आत्मन्येवात्मनातुष्ठः स्थितप्रज्ञस्तदोच्यते।।
(અર્થ :- હે અર્જુન, અનવધિકાતિશયાનંદરૂપ પરમાત્માને વિષે જ અનન્યાશ્રયપણે નિમગ્ન રહ્યો થકો તે સિવાય બીજી વાસનાઓનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તે સર્વોત્તમ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.)
અને જે પુરુષોત્તમ ભગવાન છે તે તો અક્ષરાદિક સર્વેના નિયંતા છે ને પ્રકાશક છે ને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા છે ને પોતે તો પોતાના ધામને સ્વતંત્રપણે રહ્યા છે.।।૪૪૦।।