વાત : ૩૧૬

અને સ. ગુ. સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામીએ વાત કરી જે આ જીવને અવશ્ય કાર્ય કરવાનું છે તે વિચારવું જે આ જીવને પંચવિષયને વિષે ખૂંતીને રહી જે પંચવિષયની અવ્યક્ત વાસના તેને પ્રકૃતિપુરુષ પર્યંત દેહગેહાદિક સર્વ અસત્ય છે. એવા વિચારે કરીને ધીરે ધીરે ટાળવી ને જીવને રાગે રહિત કરવો ને સત્તારૂપ કરવો ને પછી ભગવાનમાં પ્રીતિ કરવી. ને તે વિના દેહની ક્રિયા જે ભણવું તથા લખવું તથા બીજી જે જે ક્રિયા કરવી તે તો કેમ છે ? તો જેમ કોઈક અતિ મોટું કામ સિદ્ધ કરવું હોય ત્યારે તે કામ કરતાં હોઈએ તેમાં સહેજે બીજાં કામ આવે તે કરવાં પડે તેમ દેહક્રિયા તો છે ને અવશ્ય કરવું તો પોતે જે ધાર્યું હોય તે છે. માટે જીવને શુદ્ધ કરીને પછી ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરવી એ અવશ્ય કરવાનું છે ને બીજું જે છે તે તો દેહના નિર્વાહને અર્થે છે. પણ અવશ્ય કરવાનું નથી અને વળી કોઈક જાણે જે બહુ કરીને ભગવાનને રાજી કરું પણ તે ભગવાન તો બહુ કર્યે પણ રાજી થાતા નથી તથા ન કર્યે પણ રાજી થાતા નથી. માટે જે જે કરવું તે સમજીને કરવું. તેની વિક્તિ જે એક તો પોતાને વિષે ખૂંતીને રહી જે પંચવિષયની વાસના તેને જીવમાંથી ટાળીને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેની વિક્તિ જે ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. અને તે ગ્રંથ પ્રમાણે વર્તીને મંદિરની તથા દેવની તથા આચાર્ય મહારાજની સેવા કરવી. એ આદિક જે જે કરવું તે પૂર્વે કહ્યા જે ત્રણ ગ્રંથ તે પ્રમાણે વર્તે તે થકે જેટલી સેવા થાય તેટલી કરવી. પણ તે ધર્મનો ત્યાગ કરીને સેવા ન કરવી. એમ સમજીને જો થોડું જ કરે તો પણ ભગવાન બહુ માને ને તે વિના તો ઝાઝું કરે તો પણ તેમાં ભગવાન પ્રસન્ન ન થાય.।।૩૧૬।।



ટિપ્પણી

ખૂંતી રહેવુંઃ ખૂંતવું-ખૂંચી જવું, અંદર જઈ સજ્જડ ચોંટવું.