વાત : ૭

પૂર્વે અવતાર થયા છે તેનો મહારાજે પોતાને વિષે ભાવ દેખાડ્યો. તે વાત કરીએ જે પ્રથમ મહારાજ પ્રગટ થયા ત્યારે એવું પ્રકરણ ચલાવ્યું હતું જે ભજનમાં બેસે અને સંકલ્પ થાય તથા શરીર હાલે તો ઉઠાડી મૂકતા એ પોતાને વિષે શ્વેતદ્વીપપતિ વાસુદેવનો ભાવ દેખાડ્યો તથા વળી ખટરસના વર્તમાનનું નિયમ આપ્યું તથા પાશેર જ અન્ન એક વખત ખાવું તથા એક કૌપીન, એક હજુરીઓ રાખવો તથા એક ગોદડી રાખવી તથા એક એક જણને એક બીજાનો શબ્દ ન સંભળાય એમ રહેવું એ આદિક સાધુને મહા કઠણ તપ કરાવ્યું એ પોતાને વિષે નરનારાયણનો ભાવ જણાવ્યો તથા ઓગણોતેરામાં મહારાજ હાથમાં તરવાર લઈને એમ બોલ્યા જે આ મારી તરવાર છે તે કુસંગીનું લોહી પીએ છે અને સત્સંગીની રક્ષા કરે છે તથા આ તરવારે મોટા મોટા લશ્કર તથા મોટી મોટી જમાતો તથા દૈત્ય એ સર્વેને કાપી નાખ્યા. તથા આ તરવારે મોટા મોટા ગઢ પાડી નાખ્યા, તથા પોતે ઘોડા ઉપર બેઠા તથા ઘરેણાં પહેર્યાં તથા ભારે ભારે વસ્ત્ર પહેર્યાં તથા રંગે રમ્યા તથા નાના પ્રકારની લીલાઓ કરીને પોતાના એકાંતિક ભક્તને સુખ આપ્યું તે કૃષ્ણાવતારનો ભાવ પોતાને વિષે દેખાડ્યો. તથા વળી પોતે ધર્મની વ્યવસ્થા બાંધી તે પોતાને વિષે રામચંદ્રજીનો ભાવ જણાવ્યો. તથા પોતે જ્ઞાન, વૈરાગ્ય અને સાંખ્ય યોગ પ્રવર્તાવ્યો એ પોતાને વિષે દત્તાત્રેય તથા કપિલદેવજીનો ભાવ જણાવ્યો તથા પોતે પોતાના આશ્રિત જનને શિક્ષા કરી એ પોતાને વિષે ઋષભદેવ ભગવાનનો ભાવ જણાવ્યો. અને પોતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા મહાત્મ્યે સહિત જે એકાંતિક ભક્તિ કરવી તેની રીત દેખાડી તથા પ્રેમલક્ષણા ભક્તિની રીત દેખાડી અને જેમ ગંગાજી જે તે પર્વત તથા જે જે બીજાં કોઈ આડાં આવે છે, તેને તોડીને સમુદ્રને વિષે ભળે છે તેમ તે ભક્ત પણ ભગવાનના સ્વરૂપમાં જે જે પદાર્થ તથા પોતાના સંબંધી અંતરાય કરે તેનો ત્યાગ કરીને ભગવાનને વિષે હેતે કરીને જોડાયા. તથા સમાધિઓ કરાવીને જેવો તેવો હોય તેને પણ અષ્ટાવરણપાર જે અક્ષરધામ તે દેખાડ્યું તથા તે સમાધિને વિષે પોતાના અવતાર દેખાડીને પોતાને વિષે લીન કર્યા તથા ભક્તને વિષે લીન કરી દેખાડ્યા તથા પુષ્પ તથા સોટીને સ્પર્શે કરીને પોતાનાં ધામ દેખાડ્યાં, એ સર્વે પોતાના વિષે પુરુષોત્તમપણું દેખાડ્યું. એવી રીતે મહારાજે પૂર્વે જે જે અવતારે કરીને જે જે કાર્ય કર્યું છે તે પોતે સહજ લીલાએ કરીને કર્યું. આવી રીતે આ વાતને વિચારીને પછી એમ નિર્ધાર કરવો જે જ્યારે સર્વ અવતારનો ભાવ મહારાજે પોતાને વિષે દેખાડ્યો, તે માટે સર્વે અવતારના અવતારી તે આ પ્રગટ ભક્તિ-ધર્મના પુત્ર એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે અને બીજા અવતાર તો એમના આજ્ઞાકારી છે એમ મહારાજના સ્વરૂપને સમજવું. તે આ વાતને પણ જે બુદ્ધિવાળો હોય અને શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાનને પામ્યો હોય તે આ વાતને શુદ્ધ સંપ્રદાય થકી સમજે ત્યારે આ વાત સમજાય પણ તે વિના સમજાય નહિ તે માટે આ વાતને સમજી રાખવી.।।૭।।



ટિપ્પણી

ખટરસનાં વર્તમાનઃ કડવો ખાટો, ગળ્યો, ખારો, તીખો ને તૂરો એવા જીભના ષટ એટલે છ પ્રકારના રસાસ્વાદને નિયમમાં રાખવાનું વ્રત.

કૌપીનઃ લંગોટ.

હજૂરિયોઃ અઢી હાથ લંબાઈનું ટૂંકું વસ્ત્ર, રૂમાલ, અંગૂછો.

ઓગણોતેરોઃ સંવત ૧૮૬૯માં પડેલો ભયંકર દુકાળ.

અષ્ટાવરણપાર જે અક્ષરધામઃ આ બ્રહ્માંડ છે તે આઠ આવરણમાં રહેલું છે. તે આઠ આવરણઃ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ ને પ્રકૃતિ. આ આવરણોની બહાર ચૈતન્યભૂમિકાઓ છે, એ સર્વથી પર, શ્રેષ્ઠ ને સૌનાં કારણ એવા શ્રીજીમહારાજને રહેવાનું ધામ તે અક્ષરધામ છે.