વાત : ૩૯૬

સ્વભાવ ટાળવો તે સર્વથી કઠણ છે. તે તો અતિ કલ્યાણનો ખપ હોય તથા દૃઢ શ્રદ્ધાવાળો હોય તથા અતિ શૂરવીર હોય તથા કોઈક કહેનાર હોય તથા પોતે પણ નિરંતર ખટકો રાખે તથા નિરંતર જાણપણામાં રહે તો આ કહ્યા એ ઉપાય કરતાં કરતાં જો અતિશય ખપવાળો હોય. તો સાત આઠ વર્ષે કરીને સ્વભાવને ટાળે, નહિ તો બે ત્રણે જન્મે કરીને ટળે. તે માટે જેને પોતાનો સ્વભાવ ટાળવો હોય તેને પ્રથમ તો મોટા સાધુ સંગાથે અતિશય હેત કરવું ને તે સાધુ નિરંતર કઠણ વચન કહેતા રહે તથા પોતે પણ નિરંતર તે સ્વભાવ ઉપર ખટકો રાખે તથા નિરંતર જાણપણામાં રહે તો ધીરે ધીરે સ્વભાવ ટળે, નહિ તો ટળે નહિ. તે ઉપર બિલાડીનું દૃષ્ટાંત દીધું.।।૩૯૬।।



ટિપ્પણી

બિલાડીનું દૃષ્ટાંતઃ એક બિલાડીએ માટીના ઘડામાં રાખેલું દૂધ પીવા માટે જોર કરી માથું ઘડામાં નાખ્યું ને દૂધ પીધું, પણ પછી માથું બહાર કાઢી શકી નહિ; પ્રયત્ન કરતાં ઘડો ફૂટી ગયો, પણ ઘડાનો કાંઠો ગળામાં રહી ગયો. આથી બિલાડનું હલનચલન મુશ્કેલ થયું. ગળામાં કાંઠલો પહેરેલી બિલાડીને જોઈ ઉંદર પૂછવા લાગ્યા : આ શું થયું ? બિલાડી કહે : હું કેદારેશ્વર તીર્થ કરવા ગઈ હતી. ત્યાંથી આ કંકણ પહેરીને આવી છું. હવે મેં અહિંસાનું વ્રત લીધું; હું પવિત્ર સાધ્વી થઈ ગઈ છું, કોઈને બિલકુલ મારતી નથી. આવો ! તમે બધાં નિર્ભય થઈને મારા પગમાં પડો, હું તમને આશીર્વાદ આપીશ. વિશ્વાસ રાખો. આથી ઉંદરને વિશ્વાસ થઈ ગયો ને પગમાં પડવા માંડ્યા. પણ ક્યારેક કોઈ એકલદોકલ ઉંદર પગમાં પડવા આવી ચડે તો તેને મારી ખાય. આમ બિલાડીનો સ્વભાવ ગયો નહિ. આ રીતે જીવનો અવળો સ્વભાવ મોટા પુરુષના સમાગમ વિના ટળતો નથી.