વાત : ૪૨

પરોક્ષ અવતારના ભક્તમાં ને પ્રત્યક્ષ અવતારના ભક્તમાં કેટલો ફેર છે ? પરોક્ષ અવતારના ભક્ત તો રૂપા જેવા છે. ને બ્રહ્માદિક ને ઇંદ્રાદિક દેવના ભક્ત તો પિત્તળ ને કાંસા જેવા છે ને મદ્ય માંસના ખાનારા જે તમોગુણી દેવ છે તેના ભક્ત તો કથીર અને લોઢા જેવા છે ને પ્રત્યક્ષ પુરુષોત્તમના જે એકાંતિક ભક્ત છે તે તો કુંદન ને જાંબુનદ સુવર્ણ તે જેવા છે અને તેમાં તો ભારે ચમત્કાર રહ્યો છે. તેની વિગત જે જોડિયા ગામમાં વિશ્રામ સુતારે લાખો કીડીઓનું કીડિયારું જોયું ત્યારે તેને દયા આવી ને એમ બોલ્યા જે આ બિચારા જીવોનું કેમ કલ્યાણ થાશે ? એટલામાં તો કરોડો વિમાન આવ્યાં તેમાં બેસીને એ સર્વે કીડીઓના જીવ ચતુર્ભુજ રૂપ ધારીને દેવલોકમાં ગયા. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના ભક્તનો તો એવો મોટો મહિમા છે. ।। ૪૨ ।।



ટિપ્પણી

જાંબૂનદઃ જાંબૂ (શોણભદ્ર) નદીમાંથી મળતું સોનું.

પ્રાકૃતઃ તુચ્છ, મામૂલી.

સુવાણ્યઃ સમાગમનો આનંદ.