વાત : ૧૩૭

ને મનુષ્યને કોઈક જાતનો અયોગ્ય સ્વભાવ હોય ને તેમાંથી તેના જીવનું ભૂંડું થાય એવું હોય, તેને ભગવાન કે સાધુ ટોકે ત્યારે તે સવળું ન લેવાય ને અવળું લેવાય અને તેની આંટી બંધાય એવો જે હોય તેના સત્સંગનો નિર્ધાર ન જાણવો. એ તો જ્યારે ત્યારે જરૂર વિમુખ જ થાય. અને જો કોઈ એને નભાવનારો હોય અને એના સ્વભાવ પ્રમાણે કોઈક વર્તવા દે તો માંડમાંડ સત્સંગમાં નભે અને એવો નભાવનારો ન હોય તો એ જરૂર સત્સંગમાંથી પડી જાય. માટે સ્વભાવને ટાળવા સારુ મોટા પુરુષ વચન કહે તેમને હિતકારી માનીને તે પ્રમાણે વર્તવું પણ આંટી ન બાંધવી.।।૧૩૭।।