વાત : ૪
‘‘શાસ્ત્રમાં મહાપુરુષાદિકના અવતાર કહ્યા હોય તેને પણ અક્ષર પર પુરુષોત્તમ કહ્યા હોય એ કેમ સમજવું એ વાત સમજાતી નથી તે કહો ?’’ ત્યારે કહ્યું જે, એ વાત યથાર્થ સમજાય તેમ કહીએ તેને સાંભળો જે જ્યારે ‘અક્ષરનો અવતાર’ પૃથ્વી ઉપર થયો હોય, ત્યારે અક્ષરને પુરુષોત્તમ કહ્યા હોય. ને અક્ષર તે મહાપુરુષ સમજવા. તે જેમ જેમ ઊતરતા તે અક્ષરને સમજવા અને તેથી પર પુરુષોત્તમ સમજવા. તે ઇન્દ્ર જે તે અક્ષર ને બ્રહ્મા પુરુષોત્તમ; ને બ્રહ્મા જે તે અક્ષર ને વિરાટ પુરુષોત્તમ; ને વિરાટ અક્ષર ને પ્રધાનપુરુષ પુરુષોત્તમ; અને પ્રધાનપુરુષ અક્ષર ને તેથી પર મહાપુરુષ પુરુષોત્તમ ને મહાપુરુષ અક્ષર ને તેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ જે છે તે આજ ‘શ્રીજીમહારાજ’ આપણને દયા કરીને મળ્યા. એમ અક્ષર અને પુરુષોત્તમ તે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને કહ્યા હોય. તે વાત સમજ્યા વિના મતિ ભરમાય છે. અને ઇન્દ્રનો પૃથ્વી ઉપર અવતાર થયો હોય અને તેને પુરુષોત્તમ કહ્યા હોય પણ પોતાનું ઐશ્વર્ય હોય તેટલું જ દેખાડે પણ તેથી અધિક ન દેખાડાય. તે ઇન્દ્રથી લઈને બ્રહ્મા, વૈરાટ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ ને અક્ષર પર્યંત તે સર્વે પોતપોતાનું સામર્થ્ય દેખાડે પણ તેથી અધિક ન દેખાડાય. અને પુરુષોત્તમ તો અક્ષર ને તેથી ઊતરતા ઇન્દ્ર આદિક સર્વેનું સામર્થ્ય લોક, ભોગ ને ઐશ્વર્ય તે પંડે દેખાડે તથા ભક્તદ્વારે તથા પોતાના સંબંધને પામ્યાં જે પદાર્થ તેનાં દર્શન તથા સ્પર્શથી પણ ભક્તને દેખાઈ આવે ત્યારે પુરુષોત્તમ સર્વે અવતારના અવતારી એ જ છે એમ જાણવું. ને આ વાત પંડે પુરુષોત્તમ થકી તથા તેના એકાંતિક સાધુ થકી સમજાય છે. તે વિના શાસ્ત્ર ભણે, સાંભળે તો પણ સમજાય નહિ. ।। ૪ ।।
ટિપ્પણી
ઐશ્વર્યઃ ઇશ્વરીય સિદ્ધિ, દૈવી મોટાઈ.