વાત : ૨૪૧
ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને ભગવાનને વિષે પ્રીતિ એ બેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસ તે કર્યા કરવો પણ એ નિષ્ઠા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સંતોષને પામવું નહિ. તે આત્મનિષ્ઠા કેવી સિદ્ધ કરવી તો એક આત્માને વિષે જ સુખપણાની ભાવના રહે અને તે આત્મા વિના બીજા માયિક આકાર માત્ર તેને વિષે કેવળ દુઃખ જ જણાયા કરે અને ચાર પ્રકારના પ્રલયમાં જે જે આકારનો વિનાશ થાય છે તેને વિષે કેવળ દુઃખની જ ભાવના જણાયા કરે. અને પ્રીતિ તો બે પ્રકારે સિદ્ધ કરવી જે -
कामार्ततस्कर नटव्यसनिद्धिषंतः ।
स्वस्वार्थसिद्धिभिव चेतसि नित्यमेव।।
नारायणं परमयैव मुदा स्मरंतं ।
त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये।।
(અર્થ :- કામાર્ત પુરુષ, ચોર, નટ, વ્યસની અને શત્રુ એટલા જનો પોતાના સ્વાર્થની સિદ્ધિને જેમ નિત્ય ચિત્તમાં સંભારે છે તેમ પરમસ્નેહે કરીને નારાયણ ભગવાનને સંભારતા એવા ભક્તિ-ધર્મના પુત્ર અને ભક્તની રક્ષા કરનારા તેમને હું પામ્યો છું. - સ. જી. પ્ર. ૫, અ. ૬૬-૧૮)
એ શ્લોકમાં જેમ કહ્યું છે તેમ અંતઃકરણે કરીને પ્રીતિ સિદ્ધ કરવી તથા
साध्वी चकोरशलभास्तिमिकालकंट ।
कोकाजिनेष्टाविषयेषु यथैव लग्नाः।।
भूर्त्तौ तथा भगवतोत्र मुदातिलग्नं ।
त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये।।
(અર્થ :- પતિવ્રતા સ્ત્રી, ચકોર પક્ષી, શલભ, મચ્છ, બપૈયો અને કોક પક્ષી- એટલા જેમ પોતાના પ્રિય વિષયોમાં જોડાય છે, તેમ જ ભગવાનની મૂર્તિને વિષે હર્ષે કરીને અત્યંત જોડાતા એવા ભક્તિ-ધર્મના પુત્ર અને ભક્તની રક્ષા કરનારા તમને હું પામ્યો છું. - સ. જી. પ્ર. ૫, અ. ૬૬-૧૮)
એમાં કહ્યું છે જેમ દેહે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી. એવીરીતે એ બે પ્રકારની નિષ્ઠાને શ્રવણ, મનન અને નિદિધ્યાસે કરીને સિદ્ધ કરવી.।।૨૪૧।।
ટિપ્પણી
નિદિધ્યાસઃ નિરંતર રહેતું ચિંતવન.