વાત : ૪૫૩
ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન ને ધર્મ એમના હેતુ, સ્વરૂપ ને ફળ જે છે તેને પૃથક્ પૃથક્ કહો ? ઉત્તર : જે ભક્તિનાં કારણ તો સત્શાસ્ત્રમાં ભક્તિ ઉપજ્યાનાં જે સાધન કહ્યાં હોય તે છે ને શ્રીહરિકૃષ્ણજી મહારાજને વિષે પ્રીતિ છે તે સ્વરૂપ છે ને શ્રીજીમહારાજ વશ થાય તે ફળ છે ને વૈરાગ્યનો હેતુ પદાર્થ માત્રને વિષે જે દોષદૃષ્ટિ છે તે છે ને વિષય માત્રને ત્યાગ કરવાની જે ઇચ્છા છે તે સ્વરૂપ છે ને તે વિષયનો ત્યાગ કર્યો હોય ને વળી તે વિષય મળે તો ભોગવ્યાને વિષે રાંકપણું થાય નહિ તેને ફળ કહ્યું છે ને શ્રીહરિજીનું ને આત્માનું જે જ્ઞાન છે તેને ઊપજ્યાનું કારણ તો સત્પુરુષનો ને સત્શાસ્ત્રનો જે સંગ તે છે ને એ બેયની જેમ છે તેમ સ્થિતિ પોતાની બુદ્ધિને વિષે નિરંતર રહ્યા કરે તેને સ્વરૂપ કહે છે ને શ્રીજીને વિષે જે માહાત્મ્યે સહિત પ્રીતિ છે તેને ફળ કહે છે ને ધર્મ ઊપજ્યાનું કારણ તો ધર્મશાસ્ત્રનું અતિ આદરપૂર્વક જે શ્રવણ કરવું તે છે ને જે નિયમ છે તે ધર્મનું સ્વરૂપ છે ને જ્ઞાન વૈરાગ્યાદિકને ધારી રહે એ ફળ છે.।।૪૫૩।।