વાત : ૩૩
શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટી સાધન કરે પણ સર્વ ક્રિયાને વિષે અખંડ નામ રટણ ને મૂર્તિની સ્મૃતિ રહે નહિ. અને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને દેહને સામ રાખીને પછી નેત્રને મીંચીને પ્રતિલોમ વૃત્તિએ અંતરમાં મૂર્તિને સન્મુખ રહીને ધ્યાન કરવું અને યુક્ત છે આહારવિહાર આદિક જેને એવો થકો, શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિતે કરીને અતિશય ગદ્ગદ કંઠે કરીને અતિશય હર્ષાયમાન થકો, અને અતિશય ત્વરાએ કરીને અતિશય દાન્ત થકો, ને અતિશય શાંત થકો ને અતિશય સમાહિત થકો પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી તેમના સ્વરૂપનો અતિશય મહિમા સમજે જે અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો શ્રીહરિજીના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દૃઢ જ્ઞાની છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. ।। ૩૩ ।।
ટિપ્પણી
પ્રતિલોમઃ અવળું, ઊલટું.
યુક્ત આહારવિહારઃ યોગ્ય, ઘટિત આહારવિહાર.
દાન્તઃ સંયમી.
સમાહિતઃ એકાગ્ર.