વાત : ૮
શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે જે એકાંતિક ન હોય તેનો સંકર્ષણાદિકમાં પ્રવેશ થાય છે તેનું કેમ સમજવું ? ઉત્તર જે સંકર્ષણાદિક તો બીજે નથી. એ તો સત્સંગમાં સર્વે છે તે જ્યારે પુરુષોત્તમ પ્રકટ થાય છે ત્યારે મહાપુરુષ આદિ અને ઇન્દ્ર છે અંતે એવા જે સર્વે ઐશ્વર્યાર્થી તે સર્વે જ્યારે પુરુષોત્તમ અહીંયાં પધાર્યા હોય ત્યારે એ સર્વે પોતાના કલ્યાણને અર્થે દેહ ધરીને અહીં આવે છે તથા બીજા જે અવતાર એ સર્વે પુરુષોત્તમ ભેળા આવ્યા હોય ત્યારે જે એકાંતિક હોય તે તો પુરુષોત્તમની સાથે જ હેત કરે માટે એ તો જ્યારે દેહ મૂકે ત્યારે પુરુષોત્તમ એવા જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ એમની સેવામાં અક્ષરધામમાં જઈને રહે, અને જે એકાંતિક સાથે જોડાણો હોય તેેને પણ અક્ષરધામમાં લઈ જાય છે. અને પૂર્વે કહ્યા એવા એ ઐશ્વર્યાર્થી તે પણ સત્સંગમાં બહુ મોટા ગુરુ થયા હોય ત્યારે એ જેને મહારાજની વાત કરીને તથા સત્સંગની વાત કરીને જેને જેને સત્સંગ કરાવે ત્યારે જો તેને મહારાજને વિષે જ હેત થયું હોય, તો તો એ અક્ષરધામમાં જાય, અને પૂર્વે કહ્યા તેની સાથે હેત થયું હોય તો એ જ્યાંથી આવ્યા હોય ત્યાં લઈ જાય અને એકાંતિક સાથે હેત ન થવા દે તે વાત વિચારે તો ખબર પડે કેમ જે મહારાજ કહેતા જે જૂનેગઢ જાય તેને પાંચ વાર મળીએ૧ તથા તેના અમે જમાન છીએ ત્યારે કોઈક જાવાનું કહે ત્યારે તેને ગુરુ હોય તે એમ કહે જે જો તું જઈશ તો પથરામાં અથડાઈ અથડાઈને મરી જઈશ. એમ કહીને તેને અળસાવી નાખતા અને કોઈકને મહારાજની સેવામાં રહેવું હોય તો પણ તેને તના ગુરુ અળસાવી નાખતા. ।। ૮ ।।
ટિપ્પણી
સંકર્ષણાદિકમાં પ્રવેશઃ બ્રહ્માંડનું સર્જન, પોષણ ને વિનાશ કરનાર ત્રિપુટી જેમ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ છે, તેમ વૈરાટપુરુષના સર્જન, પોષણ ને વિનાશ સાથે સંકળાયેલી ત્રિપુટીને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ કહે છે. (વચનામૃતઃ લોયા ૭, ગઢડા મધ્ય ૩૧).
જે જૂનેગઢ જાય તેને મળીએઃ જૂનાગઢમાં મંદિરનું ચણતર વગેરે કામ ચાલતું ત્યારે પથ્થરનું ચણતર થતું. તેમાં શારીરિક શ્રમ ઘણો કરવો પડે. વળી જૂનાગઢ રાજના કારભારીઓ પણ ઘણાં વિઘ્નો ઊભાં કરતા, પરંતુ તે બધી તકલીફોની સામે શ્રીહરિજીના પરમ કૃપાપાત્ર સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનો લાભ મળતો. આથી જે સાધુ-હરિભક્ત જૂનાગઢ કામ કરવા જાય તેના ઉપર શ્રીજીમહારાજ બહુ પ્રસન્નતા જણાવતા, પાંચ વાર ભેટતા. પણ ત્યાં જવા તૈયાર થયેલા સાધુ-હરિભક્તને તેમના ગુરુ કે બીજા અટકાવતા ને કહેતા કે ત્યાં તો કામ કરી કરીને મરી જવાય તેમ છે; પણ ત્યાં સિદ્ધમુક્તના સમાગમનો લાભ છે તે કોઈ જોતું નથી.
જમાનઃ જામીન.