વાત : ૨૨

સત્સંગી જીવનમાં ઉપાસનાનો પ્રસંગ નીસર્યો ત્યારે આઠ દિવસ સુધી વાદવિવાદ થયો. પછી કોઈકે કહ્યું જે બીજા અવતાર જેવા મહારાજને કહો ત્યારે એ સાધુએ કહ્યું જે બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય ને બીજા અવતારે પોતાને વિષે ક્યારે ચોવીસ અવતારને લીન કર્યા છે ? અને મહારાજે તો પોતાને વિષે ચોવીસે અવતાર તથા ભૂમાપુરુષાદિક અનંત અનંતને લીન કરી દેખાડ્યા છે. તથા એ સર્વેને પોતાની પૂજા કરતાં દેખાડ્યા તથા પોતાના ભક્તદ્વારે એવાં ઘણાંય ઐશ્વર્ય જણાવ્યાં એ આદિ અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદજી મહારાજ તે તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી છે તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય ? અને તે અનંત જે મહા અદ્‌ભુત અદ્‌ભુત શ્રીજીમહારાજનાં ઐશ્વર્ય તે ખોટાં પડે ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે ઠીક કહે છે. ને ઠીક સમજે છે. ને જે ઉપાસક હોય તે તો આવા હોય ને તમે સર્વે અમારા ભેળા ફરી ગયા પણ અમે તો કેમ કહેતા હશું ને કેમ જાણતા હશું એમ કહીને એ સાધુને હાર આપ્યો ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એણે આ વાત મારી માની નહિ તો બીજાની તો માને જ કેમ ? ।। ૨૨ ।।



ટિપ્પણી

સત્સંગિજીવનમાં ઉપાસનાનો પ્રસંગઃ ‘સત્સંગિજીવન’ ગ્રંથ બનાવવાનો હતો ત્યારે તેમાં શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ આદિક અવતારોથી પર કહેવા કે તેમના જેવા કહેવા તે અંગે બધાનો અભિપ્રાય જાણવા શ્રીજીમહારાજે સભા કરેલી. તે વખતે સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી, સર્વેના સ્વામી ને કારણ એ રીતે લખવા આગ્રહ રાખેલો. શ્રીજીમહારાજે તે વખતે લીલા કરી સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીને જંગલમાં કાઢી મુકાવેલા. વળી, ‘તેમના વિના જમશું નહિ’ એવું કહી પાછા બોલાવેલા. પછી બહુજનના સમાસ-સમજણ માટે એ ગ્રંથમાં બીજા અવતાર જેવા પોતાને કહેવા દેવાની હા પડાવેલી. આ રીતે લખાયેલા ગ્રંથથી ઘણાંને હેત થાય, ખેંચાણ થાય, ને સાધુના સમાગમ માટે આવતા થાય, અને તેમના મુખેથી સર્વોપરીપણાની વાતો સાંભળી સાચી સમજણ કેળવે.