વાત : ૬૦

શ્રી પુરુષોત્તમ ભગવાન જ્યારે દયા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી મુક્તે સહિત પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે સર્વે મનુષ્ય દેહે હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવા જે આ પુરુષોત્તમ છે ને આ મુક્ત છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જેમ ગોપીચંદન અને ખડીમાં ભેદ છે તથા જેમ શિંગડિયો વછનાગ અને મલિયાગરમાં ભેદ છે તથા જેમ કપૂર અને કસ્તુરીમાં ભેદ છે. તે મલિયાગર ચંદન લગારેક શરીરે ચરચે ત્યારે તત્કાળ ટાઢક થાય તેવી બીજે ચંદને ન થાય. ને કસ્તુરી જો લગારેક સૂંઘે તો તત્કાળ શરીરમાં ગરમી થાય તેવી કપૂરે ન થાય. તેમ મુક્તમાં ને પુરુષોત્તમમાં ભેદ છે, તે ભક્તમાં જે બુદ્ધિવાળો હોય તેજાણે જે આ મુક્ત છે ને આ પુરુષોત્તમ છે. ને હવે તેને જાણવાની રીત કહીએ છીએ જે પુરુષોત્તમ અહીં પધાર્યા હોય ત્યારે તે મનુષ્ય જેવા જણાય પણ સહેજે જ એવો પોતાની મૂર્તિમાં ચમત્કાર હોય જે પોતાને દર્શને કરીને, સ્પર્શે કરીને તથા દૃષ્ટિએ કરીને હજારો જીવને તત્કાળ માયા થકી મુકાવીને બ્રહ્મમાહોલમાં પહોંચાડે તથા સર્વે અવતાર પોતાની મૂર્તિને વિષે લીન થાય પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિષે લીન ન થાય. તથા પોતાની મૂર્તિને વિષે સહેજે મનુષ્યના મનની વૃત્તિઓ તણાઈ જદાય તથા પોતે આવી રીતે સાધુને વર્તાવ્યા તથા સાધુ, સત્સંગી, સાંખ્યયોગી તથા કર્મયોગીના ધર્મ કહ્યા તે ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામશુદ્ધિમાં તથા સત્સંગિજીવનમાં લખ્યા છે. તથા તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનના માહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ તેને ઉપજ્યાના હેતુ પણ લખ્યા છે : તે સર્વેને પૂર્વાપર વિચારે તથા તેમના રચાવેલા ગ્રંથ છે તેને જ્યારે વિચારે ત્યારે જે બુદ્ધિવાળો હોય તેને એમ જણાય જે આવી રીતનો જે ધર્મ તથા શાસ્ત્ર તેમાં બીજા અવતાર કરતાં કરોડો ગણો ફેર છે. અને તે વાતને વિચારીને એમ જણાય જે સર્વે અવતારના અવતારી મહારાજ છે. એમ જે બુદ્ધિવાળો હોય તે અવતાર-અવતારીને કળે તથા તે અવતારી જે પુરુષોત્તમ અને બીજા અવતાર તેમાં જેમ પારસમણિ અને ચિંતામણિમાં ફેર છે તેમ ફેર છે. તે અવતારમાં એટલું બળ હોય જે પોતાની મૂર્તિના સંબંધને પામે તેનું કલ્યાણ કરે અને તે સામર્થ્ય તો મોટા મોટા અવતારમાં જ હોય ને જે સાધારણ અવતાર હોય તે તો પોતે જેમ કહે તેમ કરે તેનું જ કલ્યાણ કરી શકે. ને પુરુષોત્તમ જ્યારે અહીં પધાર્યા હોય ત્યારે તો જે પોતાના સંબંધને પામ્યા હોય તે સર્વેનો મોક્ષ કરે તથા પોતાના સાધુ દ્વારે ને સત્સંગી દ્વારે પણ બીજા અવતારના જેવું કલ્યાણ કરે ને તે ભક્ત જ્યારે દેહ મેલે ત્યારે બીજા અવતારના જે મળેલા હોય તેમાં પણ જે એકાંતિક હોય તે જેવો તો તે પણ થાય ને જે પુરુષોત્તમના ખરેખરા ભક્ત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિએ યુક્ત હોય તે તો લિંગ દેહે સહિત ત્રણ દેહનો ત્યાગ કરીને અક્ષરના સાધર્મ્યપણાને પામીને અખંડ ભગવાનની સેવામાં રહે છે.।।૬૦।।



ટિપ્પણી

ગોપીચંદનઃ તિલક કરવામાં વપરાતી પીળી માટી; દ્વારકાની ગોપી તલાવડીની માટી.

ખડીઃ માટી

શિંગડિયો વછનાગઃ શિંગ (બીવાળી પાપડી) વાળું ઝેરી ઝાડ.

મલિયાગરઃ મલય નામના પર્વત ઉપર થતું ચંદન

પારસમણિઃ સ્પર્શમણિ. લોઢાને અડકાડવાથી લોઢાનું સોનું થાય તેવો મણિ.

ચિંતામણિઃ હાથમાં રાખી ચિંતવન કરો તેવું થાય, તે જાતનો મણિ.

લિંગ દેહ સહિત ત્રણ દેહઃ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ- એવા ત્રણ દેહ. એ ત્રણ દેહમાં જનનેન્દ્રિયના અનુસંધાન સાથેનો દેહભાવ તે લિંગદેહ.