વાત : ૧૦૫
પરોક્ષ વાતને પ્રત્યક્ષ જેવી કેમ કરીએ તો થાય ? ઉત્તરઃ જે જેમ દશ વીશ પ્રામાણિક મનુષ્ય હોય ને તે પણ સમીપ સંબંધી હોય તે સર્વે એમ કહે જે આ વાર્તા તો એમ જ છે ને પરમ સત્ય છે તો તે વાત સત્ય મનાઈ જાય પણ લગારે સંશય રહે જ નહિ તેમ મોટા પુરુષ કહે જે શ્રીજીમહારાજ જેવા બ્રહ્મપુરને વિષે ઐશ્વર્ય, પાર્ષદ ને સામર્થી સોતા બિરાજે છે તેવા ને તેવા જ આ પૃથ્વી પર વિચરે છે ને તે મનુષ્યરૂપને વિષે એવી ને એવી સામર્થી સો એ સો ને હજારો જીવને દેખાઈ આવે છે ને તે કહે છે પણ ખરા એટલે પ્રત્યક્ષ થયા ને પરોક્ષ રહ્યા નહિ એવું જે શ્રીહરિના સ્વરૂપ સંબંધી જ્ઞાન ને એકાંતિકની પરંપરાએ કરીને પમાય છે એમ જાણવું. તે ઉપર સર્પના દૃષ્ટાંતે કરીને વાત કરી.।।૧૦૫।।
ટિપ્પણી
સર્પનું દૃષ્ટાંતઃ સર્પની કાંચળીનો આકાર સર્પ જેવો જ હોય છે. સર્પની ફેણ, પૂંછડી, શરીરના સાંધા, રેખા વગેરે પણ કાંચળીમાં હોય છે. એ જ રીતે દિવ્ય અક્ષરધામમાં સર્વે મુક્તોનાં સ્વરૂપ શ્રીહરિજીનાં સ્વરૂપ જેવાં જ છે. વળી શ્રીહરિ મનુષ્યરૂપે આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે પણ ધામની મૂર્તિ જેવું જ આ મનુષ્યરૂપ હતું. તેમાં એક રૂંવાડાનો પણ ફેર ન હતો. (વચનામૃતઃ ગઢડા અંત્ય. ૩૧)