વાત : ૧૫૧

શાસ્ત્રમાં એમ કહ્યું છે જે સત્પુરુષના સંગે કરીને જીવ સુખિયો થઈ જાય છે. માટે સત્પુરુષનાં લક્ષણોને શાસ્ત્રમાંથી સમજીને તેમની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રમાંથી જાણીને ને વિચારીને ને તેમની અનુવૃત્તિમાં મન, કર્મ, વચને કરીને વર્તવું. તે કહ્યું છે જે, ‘‘उत्तमानेव सेवेत प्राप्तकाले तु मध्यवान्‌’’ (અર્થ: ઉત્તમનો જ સમાગમ કરે, તે ન મળે તો મધ્યમનો કરે) એવી રીતે શ્રેષ્ઠ થાવાની ઇચ્છા રાખવી. ને શાસ્ત્રનો સિદ્ધાંત ને મહત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા. જો એક સિદ્ધાંત થાય તો એ મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો ને વેગવાન થાવું નહિ પણ શાંત થાવું કેમ જે વેગવાનને સત્‌શાસ્ત્ર સમજાતાં નથી.।।૧૫૧।।