વાત : ૩૧૫
અને વળી પુરુષોત્તમ ભગવાને આચાર્ય મહારાજને આજ પોતાના દત્તપુત્ર કરીને સર્વે સાધુ તથા સત્સંગીના ગુરુ કરીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે, તેમાં તથા લક્ષ્મીનારાયણ આદિક જે મૂર્તિયું પોતે પધરાવી છે તેમાં પણ પોતાના અવતાર જેટલું દૈવત પોતે મૂક્યું છે. માટે તે આચાર્ય તથા પોતાની પધરાવેલી જે મૂર્તિયું તેને અવતારી જે પુરુષોત્તમ ભગવાન તેના અવતાર જેવા જાણવા ને જેમ અવતારને અર્થે કરે તેને પોતે અંગીકાર કરે છે તેમ જ આચાર્યજીને અર્થે તથા પોતાની પધરાવેલી જે મૂર્તિયું તેમને અર્થે જે સેવા કરે તે પોતે અંગીકાર કરે છે તેમ જ તેમને અર્થે કોઈક સેવા કરતા હોય તેને અવળી વાત કહીને ભાંગી નાખે તથા એમ કહે જે આચાર્યને ને લક્ષ્મીનારાયણને ક્યાં ખોટ્ય છે માટે કાંઈ ધર્માદાનું હોય તથા નામનુંહોય તે સંતને અર્થે ખરચો. કેમ જે સંતને અર્થે જે જે કરે છે તે તત્કાળ ઊગી નીસરે છે એમ અવળો ઉપદેશ કરીને પોતાની શૂશ્રુષાને અર્થે બીજાને મોળા પાડે છે. તથા કોઈક સારું મનુષ્ય હોય ને તે દેવની તથા આચાર્યની સેવા કરતો હોય તેને પોતાની સેવા કરાવ્યાને અર્થે અવગુણ ઘાલીને તેમની સેવામાંથી પાછા પાડીને પોતાની સેવા કરાવે તો તેને પંચ મહાપાપ જેવું પાપ થાય છે માટે આ કહ્યું એમ સમજે તો જ શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન પામ્યા કહેવાય. નહિ તો અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કહેવાય ને આ વાત તો કેવી છે તો જેમ હીરો હોય ને તેને જતન કરીને રાખે તેમ આ વાતને હીરાની પેઠે નિત્યે નવી ને નવી રાખજો પણ ગાફલપણે કરીને ભૂલશો મા, જરૂર ભૂલશો મા કેમ જે આ વાતને જે ન સમજે તેને મોક્ષના માર્ગમાં બહુ ફેર પડે છે.।।૩૧૫।।