વાત : ૨૯૪
એક સંતે પૂછ્યું જે સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્યને પામ્યો હોય ને દૃઢ શ્રદ્ધાવાન હોય ને અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યને અતિશય દૃઢ પાળતો હોય ને અહિંસા ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય ને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મમરણની નિવૃત્તિ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે તે સાચું કહ્યું છે કે ફોસલાવવાને અર્થે કહ્યું છે ? ત્યારે મોટા સંતે કહ્યું જે એ તો સાચું કહ્યું છે. ત્યારે સંતે કહ્યું જે એમ કેમ વર્તાતું નથી ? ત્યારે મોટા સંત કહે જે એટલી ભૂલ છે અથવા પ્રમાદ છે. ત્યારે તે સંત કહે છે જે એ સાધનને કેમ શીખવાં ? ત્યારે મોટા સંત કહે જે સત્પુરુષ પાસેથી નિત્ય-પ્રલયાદિકના વિચારે કરીને વૈરાગ્ય શીખવો ને સત્ અસત્ના વિચારે કરીને આત્મનિષ્ઠા શીખવી એમ વર્તવાને વિષે શ્રદ્ધા જે ત્વરા તે રાખવી. એવી રીતે બીજા સર્વે ગુણ સત્પુરુષ પાસેથી શીખવા. ત્યારે શાન્તાનંદ સ્વામીએ કહ્યું જે વૈરાગ્યાદિક ગુણની અવધિ છે કે નહિ ? ઉત્તર : જે શ્રીજીમહારાજના ચરણકમળ વિના ક્યાંય પણ અણુમાત્ર પ્રીતિ ન રહે એ વૈરાગ્યનો અવધિ છે ને ઊર્ધ્વરેતા થવાય એ બ્રહ્મચર્યનો અવધિ છે ને શ્રીહરિજીની કથા વાર્તા આદિકને વિષે ત્વરા વર્તે એ શ્રદ્ધાનો અવધિ છે.।।૨૯૪।।
ટિપ્પણી
ઊર્ધ્વરેતાઃ ઊર્ધ્વ (ઊંચું) + રેતસ્ (વીર્ય) : ઉત્તમ બ્રહ્મચારીનું વીર્ય જનનેન્દ્રિયમાં આવતું જ નથી. ઇંદ્રિજીત.
અવધિઃ પરાકાષ્ઠા, મર્યાદા, સીમા.
ત્વરાઃ તાકીદ, ઉતાવળ, વેગ, તાલાવેલી.