વાત : ૪૮

શ્રીજીમહારાજે કહ્યું જે, પુરુષ પ્રયત્ન કરે તો આત્મા જણાય છે ને તેને વિષે પરમાત્મા પણ જણાઈ આવે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે તમારી કૃપા હોય તો જણાય. તે પછી શ્રીજીમહારાજ કહે જે, જુઓને આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણુ જેટલું જણાય છે માટે બ્રહ્માંડ તો અક્ષરની ગણતીમાં જ નથી ને એવાં અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરે છે એવું મહત્‌પણું અક્ષરનું છે ને હું તો એ થકી પર છું માટે મારી આગળ તો એ બ્રહ્માંડ અને બ્રહ્માંડને વિષે રહ્યા જે જીવ તે શી ગણતીમાં છે ? કાંઈ ગણતીમાં નથી એવો હું અતિશય મોટો છું. તે તમારી પાસે વાત કરું છું. ને ભાઈબંધાઈ કરું છું ને દરરોજ દર્શન દઉં છું ને જમાડું છું ને નામ લઈને બોલાવું છું ઇત્યાદિક અનેક પ્રકારે તમારા સાથે પ્રીતિ કરું છું ને ઓળખાણ કરું છું ને કાંઈક આડુંઅવળું થાતું હશે તેનું પણ સંબંધીની પેઠે સહન કરું છું એવી રીતે તમારા સાથે વર્તું છું તો પણ તમે કહો છો જે કૃપા કરો તે હવે કેટલી કૃપા કરું ? ।। ૪૮ ।।