વાત : ૧૬
વળી મહાપુરુષથી પર જે અક્ષરબ્રહ્મ તે કેવા છે તે કહીએ છીએ જે મહાપુરુષના રૂંવાડાના છિદ્રને વિષે એક એક થકી દશ દશ ગણાં અધિક જે અષ્ટ આવરણ તેણે વીંટાણાં એવાં અનેક કોટી વિરાટરૂપ જે બ્રહ્માંડ તે ઊડ્યા કરે છે અને તે કોટી બ્રહ્માંડના કારણ એવા જે અનેક કોટી મહાપુરુષ તે અક્ષરના રૂંવાડાના છિદ્રને વિષે રહ્યું જે તેજ તે તેજને વિષે અક્ષરની સામર્થીએ કરીને અનંત કોટી ઊપજે છે ને અનંતકોટી લીન થાય છે. એવું સનાતન અખંડ, નિર્ગુણ સચ્ચિદાનંદ, પરમપદ, અનંત જે અક્ષરબ્રહ્મ તેને વિષે કાળ, માયા ને પુરુષ તે લીન થાય છે એવું હરિકૃષ્ણ પુરુષોત્તમને રહેવાનું ધામ છે. ને તેને વિષે અસંખ્ય બ્રહ્મરૂપ મુક્ત છે તે જે તે અતિ હેતે કરીને એ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની ઉપાસના કરે છે. તે હરિકૃષ્ણ પુરુષોત્તમનું સ્વરૂપ દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે સમગ્ર પૃથ્વી છે તેને મધ્યે પર્વત, વૃક્ષ, મનુષ્ય સર્વે સ્થાવર જંગમે સહિત બિલોરી કાચની ભૂમિ હોય ને તે ઉપર આકાશને વિષે રહ્યા જે તારા તેટલા સૂર્ય એક કાળે તપે એવી રીતની શોભાએ યુક્ત જે પ્રકાશ તે જે તે અક્ષરધામના જે મુક્ત તેના એક રોમના પ્રકાશમાં એ સમગ્ર પ્રકાશ લીન થઈ જાય ને એવા અનંત મુક્ત તેના સર્વ પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અક્ષરબ્રહ્મના એક એક રોમને વિષે છે ને એવા જે અક્ષરબ્રહ્મ તે અનંત અક્ષરબ્રહ્મના પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અનાદિ સનાતન દિવ્ય મૂર્તિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક એક રોમમાં છે એવા જે સાક્ષાત્ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેનો મહિમાએ સહિત દૃઢ આશરો કરવો. જેમ બપૈયાને સ્વાંતના જળનો આશ્રય છે ને ચકોરને ચંદ્રમાનો છે તેવો આશ્રય કરવો એ અવશ્ય કરવાનું છે. ।। ૧૬ ।।