વાત : ૪૩૭

વરુણદેવના પુત્રે વરુણને પૂછ્યું જે હે પિતાજી ! બ્રહ્મ કહો ત્યારે તે બોલ્યા જે પૃથ્વી બ્રહ્મ. ત્યારે પુત્ર જે તે પૃથ્વીના અંતને પામીને ફરી પૂછતો હવો જે હે પિતાજી ! બ્રહ્મ કહો. ત્યારે તે બોલ્યા જે જળ બ્રહ્મ. એવી રીતે આગળ આગળ તેના તેના અંતમાં પામીને પુત્ર જેમ જેમ પૂછતો ગયો તેમ તેમ પિતા પણ બ્રહ્મ કહેતા ગયા જે તેજ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિ ને મૂળપુરુષ સુધી બ્રહ્મ કહ્યા તો પણ ફરીને તેણે પૂછ્યું જે પિતાજી ! બ્રહ્મ કહો. ત્યારે વરુણ દેવે કહ્યું જે અતિ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ઊડી જાશે. માટે પુરુષોત્તમ શ્રીહરિજી જ્યારે દયાએ કરીને મનુષ્યભાવનું ગ્રહણ કરે છે ત્યારે જ મુમુક્ષુને પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તથા સર્વે રહસ્ય વાર્તા જાણ્યામાં આવે છે એ મર્મ પ્રશ્નોત્તરમાં છે.।।૪૩૭।।