વાત : ૨૩

એક સાધુને શ્રીજીમહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેને સમાધિમાં અક્ષરધામને વિષે અનંત અનંત મહા આશ્ચર્ય અને મુક્તે સહિત મહારાજે દર્શન દીધાં તો પણ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો નહિ. પછી શ્રીજીમહારાજે એ સાધુને કહ્યું જે આ અનંત મુક્તોની પૂજા એકકાળાવચ્છિન્ન કરો ને પછી તમારે વિષે લીન કરો ત્યારે એ સાધુએ કહ્યું જે એમ કેમ થાય મહારાજ ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે ચોવીસ અવતારનાં નોખાં નોખાં નામ લઈને સંકલ્પ કરો જે એ પુરુષોત્તમ હોય તો તેની સામર્થીએ કરીને એટલા રૂપે હું થાઉં. પછી એ સર્વેનાં નામ લઈને કહ્યું પણ અનંત રૂપે ન થવાણું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે અમારું શ્રી સહજાનંદ નામ લઈને સંકલ્પ કરો જે શ્રી સહજાનંદ સર્વ અવતારના અવતારી સર્વોત્કૃષ્ટ પુરુષોત્તમ હોય તો હું અનંતરૂપે થાઉં. પછી શ્રીજીમહારાજનું નામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. પછી સર્વે મુક્તોની એકકાળાવચ્છિન્ન પૂજા કરીને ને સર્વેને પોતાને વિષે એકકાળાવચ્છિન્ન લીન કર્યા. પછી સમાધિમાંથી આવ્યા ત્યારે વાત વિસ્તારીને કરી જે શ્રી સહજાનંદ સ્વામી સર્વે અવતારના અવતારી સર્વોત્તમ પુરુષોત્તમ છે. ।। ૨૩ ।।



ટિપ્પણી

એકકાળાવચ્છિન્નઃ એક જ સમયે, એક સાથે.