વાત : ૫૧
એક સમયે વાર્તાનો પ્રસંગ નિસર્યો જે સર્વે પોતાની મેળે ઠરાવ કરી લે છે પણ શુદ્ધ પરંપરાએ કરીને નક્કી કરતાં નથી. ત્યારે સંતે કહ્યું જે શુદ્ધ પરંપરા કેમ સમજવી ? ઉત્તર જે, પુરુષોત્તમ ભગવાન કે તેમના એકાંતિક ભક્ત તેમની પાસેથી શ્રી હરિકૃષ્ણજી મહારાજના જે અવતાર છે તેમની રીતને સમજે તથા એકાંતિકની સમજણને સમજે તથા બ્રહ્મપુરના ને ગોલોકાદિક ધામના મહિમાને સમજે તથા તે ધામના પાર્ષદોનો તથા મૃત્યુલોકના સંત તથા પાર્ષદોનો તથા આ લોકનાં તીર્થોનો તથા ધામોનો મહિમા સમજે તે શુદ્ધ પરંપરા કહીએ. એમ સમજ્યા વિના તો કેટલાક આત્માનંદ સ્વામીને તથા રામાનંદ સ્વામીને તથા નરનારાયણાદિકને પણ પુરુષોત્તમ સમજે છે. માટે એ કહી એવી જે શુદ્ધ પરંપરાની રીત તેણે કરીને પુરુષોત્તમ સમજવા. ।। ૫૧ ।।