વાત : ૫૦

એક દિવસ મોટા સંતે ઉપાસનાની વાર્તા કરી જે આપણે જેમ શ્રીજીમહારાજને પુરુષોત્તમ ભગવાન કહીએ છીએ તેમ જ રામચંદ્રજી આદિકના ઉપાસક છે તે પણ પોતપોતાના ઇષ્ટદેવને પુરુષોત્તમ કહે છે એમ જ આપણે કહીએ છીએ કે બીજી રીત છે એમ પોતાનું મન શંકા કરે અથવા કોઈક પ્રતિપક્ષી પૂછે ત્યારે જો દૃઢ ઠરાવ ન કર્યો હોય તો પોતાને શંકા થાય ને ઉત્તર પણ નિઃશંકપણે યથાર્થ થાય નહિ. માટે પુરુષોત્તમપણાનો દૃઢ ઠરાવ કરવો. ત્યારે સંતે આશંકા કરી જે કેમ સમજે તો નિઃશંકપણે પુરુષોત્તમપણાનો દૃઢ ઠરાવ થાય ? ઉત્તર જે, જ્યારે શ્રીજીમહારાજ પ્રગટ થયા ત્યારે જે જે અવતારના ઉપાસક શ્રીજીમહારાજને દર્શને આવતા તે સર્વેને શ્રીજીમહારાજ ભજનમાં બેસાડીને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવતા. એવી રીતે ચોવીસે અવતારનાં દર્શન કરાવતા તથા મુસલમાનને અલ્લાનાં તથા શ્રાવકને તીર્થંકરનાં દર્શન કરાવતા હવા. એમ જે જે મતના આવે તેને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવીને તે સર્વેને પોતાનોે આશ્રય કરાવી દેતા હવા. તથા વ્યાપકાનંદ સ્વામીને પોતાને વિષે ચોવીસે અવતાર લીન કરાવીને પોતાને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવી દીધો એ વાતમાં પણ મર્મ છે તથા પર્વતભાઈ હરિભક્તે એમ સંકલ્પ કર્યો જે પરમેશ્વરના અવતાર કેવા હશે ? ત્યારે તે ભક્તને આગળ આવીને ચોવીસે અવતાર દર્શન આપતા હવા અને બ્રહ્મપુરને વિષે પોતાનાં દર્શન જેવા તેવા જીવને સહજે જ કરાવતા હતા. એવી જાતની અનેક પ્રકારની સામર્થીની વાર્તા સત્સંગમાંથી સમજીને શ્રીજીમહારાજને વિષે પુરુષોત્તમપણાની ઉપાસના નિઃશંકપણે અતિ દૃઢ કરવી ને જે સ્વયં પુરુષોત્તમ ભગવાન છે તે તો આ ફેરે જ આવ્યા છે એ વાર્તા પરમ સત્ય છે ને વળી પરમેશ્વરની મરજીને જાણે એવા જે પરમ ભગવદ્‌ ભક્ત તેમણે પણ એ વાર્તા કહી છે. ।। ૫૦ ।।