વાત : ૨૮૦
સુતાર ખીમા ભક્તે શ્રીજીમહારાજની લીલાની બહુ વાર્તા કરી તેને સાંભળીને સ્વામી કહે જે મહારાજે તો સુખ દીધામાં કોઈ રીતે ખામી રાખી નથી પણ આપણે મહિમા સમજતા નથી ને કેવળ ખોટ જ ખાઈએ છીએ. ત્યારે તે ભક્તે કહ્યું જે મહિમા સમજે ત્યારે કેમ વર્તાય ? ઉત્તર : જે કેવળ શ્રીજીમહારાજ સામું જ જોઈ રહેવાય. ત્યારે કોઈક સંતે કહ્યું જે જોવે કરીને બહુ સુખ જણાતું હશે ? ત્યારે કહ્યું જે જોવામાં તો બહુ જ સુખ રહ્યું છે કેમ જે એ સુખની પ્રાપ્તિને અર્થે તો મોટા મોટા જે તે અહંમમત્વને મૂકી દે છે ને તેને મૂકવાનો ઉપાય તો કર્મયોગ, ભક્તિયોગ ને જ્ઞાનયોગ છે. તેની વાર્તા વિસ્તારીને કહી છે જે જ્ઞાનયોગ જેને હોય તેને એમ વર્તે છે.
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्।।
અર્થ :- ભગવાનની આરાધનારૂપ કર્મને વિષે આત્મજ્ઞાન રહ્યું છે એમ જુવે અને આત્મજ્ઞાનને વિષે કર્મને જુવે. અર્થાત્ આત્મજ્ઞાન સાક્ષાત્કાર થયું હોય તો પણ ભગવદ્ ભજન સ્મરણરૂપ કર્મ અવશ્ય કરવું જોઈએ. એ પ્રમાણે જાણે તે બુદ્ધિમાન છે. (ગી. ૪-૧૪)।।૨૮૦।।