વાત : ૨૧૨

વળી મોટા સંતે અર્થારામ, ઇંદ્રિયારામ અને ગુણાધ્યાન ને દોષાધ્યાનની વાર્તા વિસ્તારીને કરી તેને સાંભળીને બીજા સંતે કહ્યું જે કેમ સમજીને દોષાધ્યાન કરે તો બાધ ન આવે ને કેમ કરે તો બાધ આવે ને ગુણાધ્યાન કેમ કરવું ને કેમ ન કરવું ? ઉત્તર : જે જેને વિષે જે દોષ હોય તેને કોઈ પ્રસંગે કરીને કહેવાય તો તેનો દોષ નહિ ને અવગુણ લીધો પણ ન કહેવાય ને જેને વિષે એ દોષ ન હોય તેેને વિષે તે પરઠે તો દોષ લીધો કહેવાય ને તેનું અતિશય ભૂંડું થાય ને કલ્યાણના માર્ગમાંથી પડી જવાય ને જેમ હોય તેમ કહે તેનો તો દોષ જણાતો નથી. ને જુઓને શ્રીજીમહારાજે પણ પ્રથમના ૩૬મા વચનામૃતમાં કહ્યું છે જે નારદ સનકાદિક જેવા જે સાધુ છે તે એને રાંક ને પાપી જાણે છે એ દોષાધ્યાન ન કહેવાય અને મુક્તાનંદ સ્વામી તથા શતાનંદજી જેવા મુનિ છે તે પણ એમ જાણતા હતા જે આ ભક્તને વિષે આટલા દોષ છે ને આ ભક્તને વિષે આ દોષ નથી ને વચનામૃતમાં શ્રીજીમહારાજે પણ કહ્યું છે જે અમે જોયા કરીએ છીએ જે આ ભક્તને આ વર્તમાનમાં આટલી કસર છે ને આ ભક્તને કસર નથી તે ઠીક છે એમ મોટા મોટામાં જોયા કરીએ ચીએ. માટે એવી રીતે જે કહ્યું તે દોષાધ્યાન નકહેવાય. ત્યારે હરજી ઠક્કરે કહ્યું જે એક ભક્ત તો મોટો હોય ને બીજો ભક્ત તો નાનો હોય ને તેમાં દોષ તો નક્કી હોય તે જણાય તો ખરો માટે એ દોષ લીધો કહેવાય કે નહિ ? ઉત્તર : જે ન કહેવાય કેમ જે વિવેકવાન હોય તેને તો સાચું ખોટું જણાય ખરું એ કાંઈ દોષ લીધો ન કહેવાય.।।૨૧૨।।



ટિપ્પણી

અર્થારામઃ માત્ર દ્રવ્ય-ધનની પાછળ પડેલો.

ઇંદ્રિયારામઃ ઇંદ્રિયોના સુખમાં જ રચ્યાપચ્યા રહેનાર.

ગુણાધ્યાનઃ ગુણોનું અનુસંધાન.

દોષાધ્યાનઃ દોષોનું અનુસંધાન.

કસરઃ ખોટ.