વાત : ૩૮૭
સંસારમાં રહીને વિષય કેમ જિતાય ? ઉત્તર : જે નિયમ રાખે તો જિતાય છે. તેની વિગત જે જેમ જૈનના મતવાળા છે તે આવી રીતે નિયમ રાખે છે જે મારે આ વર્ષમાં દશ શેર રતાળું ખાવાં છે, તેમ સત્સંગીને પણ આ વર્ષમાં ને આ મહિનામાં મારે આવી રીતે વર્તવું છે એવી રીતે નિયમ રાખવાં. એમ વર્તવાથી વિષય જિતાય છે. ને વિષય સુખને વિષે તો કેવળ દુઃખ જ રહ્યું છે કેમ જે મોટા મોટા જે રાજા છે તેમને ખાવા પીવાને વિષે ને સૂવાને વિષે સ્ત્રી પુત્રાદિકનો વિશ્વાસ આવે જ નહિ અને દીકરો હોય તે બાપને માર્યાનો લાગ જોતો હોય ને બાપ પણ પુત્રને માર્યાનો લાગ જોતો હોય ને મા દીકરાને વિષે ને ધણી ધણિયાણીને વિષે પણ એમ જ છે. માટે સંસારનાં સુખ આવાં છે તો જીવ વિષયને વિષે અતિ આસક્ત છે માટે એ મૂર્ખ છે તે સારુ નાશવંત ને સ્વપ્નતુલ્ય ને અતિશય તુચ્છ જે વિષય સુખ તેને અર્થે અનેક પ્રકારનાં દુઃખરને સહન કરે છે તે માટે જો સત્પુરુષના સંગે કરીને શુદ્ધ આત્મસત્તારૂપ રહીને શ્રીજીમહારાજનું ભજન કરે તો સંસારમાં સુખિયો રહે ને વિષય પણ જિતાય.।।૩૮૭।।