વાત : ૨૯૮

જ્ઞાની એવા જે મોક્ષાર્થી તે અર્થાદિકનો સંગ્રહ કરતા નથી ને જે કરે છે તે પણ એમ સમજીને કરે છે જે કલ્યાણરૂપ ધર્મમાં રહીને અર્થે ઉપજાવે છે ને તેનું ધર્મરૂપ જે અર્થ છે તેનું ફળ વિષય ભોગ જ છે એમ નથી સમજતા ને તે વિષય ભોગવે છે તે પણ ઇંદ્રિયુંને લડાવવી એ જ ફળ નથી જાણતા પણ દેહ રહે એટલું જ ફળ સમજે છે ને તે દેહ રાખ્યાનું ફળ પણ એટલું જ છે કે જે ત્રણ અંગે સહિત ભક્તિ કરીને શ્રીહરિજી મહારાજના એકાંતિક ભક્ત થાવું ને જે અજ્ઞાની છે તે તો એમ સમજે છે જે ધર્મનું ફળ ધન મળ્યું એ છે ને ધનનું ફળ વિષય ભોગવવા એ છે ને તેનું ફળ ઇંદ્રિયોને લડાવવી એ છે ને ફરી પણ એમને એમ કર્યા કરવું એવી રીતે અસત્‌ સમજણની શાસ્ત્રમાં ના પાડી છે. તે ઉપર નીચે પ્રમાણે શ્રીમદ્‌ ભાગવતના પ્રથમ સ્કંધમાં બે શ્લોક જે,

धर्मस्य ह्यापवर्ग्यस्य नर्थोऽर्थायोपकल्पते ।

नार्थस्य धर्मैकांतस्य कामो लाभाय हि स्मृतः।।

कामस्य नेंद्रियप्रीतिर्लाभो जीवेत यावता ।

जीवस्य तत्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः।।

૧. અર્થ :- મોક્ષોપયોગી નિષ્કામ ધર્મનું ફળ દ્રવ્ય પ્રાપ્તિ નથી, પણ મોક્ષ જ છે. તેમજ ધર્મોપયોગી અર્થનું ફળ ભોગવિલાસ નથી, પરંતુ ધર્મ જ છે. અને દેહનિર્વાહોપયોગી ખાનપાનાદિક ભોગ ઇંદ્રિયોને તૃપ્તિ કરવા માટે નથી, પરંતુ દેહનિર્વાહ માટે છે, ને જીવનનું ફળ કર્મો કરી મેળવેલાં દ્રવ્યથી ભોગવિલાસ ભોગવવા તે નથી, પરંતુ અદ્વિતીય જ્ઞાન જાણવા માટે જ છે. (ભા. પ્ર. અ. ૨ શ્લો ૯-૧૦)

અને જે અર્થ પર વર્તે છે તે પણ ધર્મમાં રહીને અર્થનો સંગ્રહ કરે છે ને જે ધર્મ પર વર્તે છે તે પણ ધર્મ સોતા જ અર્થને ભેગા કરે છે પણ એ બેય જણા અર્થને મોક્ષના માર્ગને વિષે વાવરે છે માટે એ પણ ઠીક સમજડે છે ને જે કામ પર વર્તે છે તે તો અર્થ, ધર્મ ને કામ કરે છે માટે એની સમજણ બરાબર નથી.।।૨૯૮।।



ટિપ્પણી

ઇંદ્રિયુંને લડાવવીઃ ઇંદ્રિયોને લાડ લડાવવા, ઇંદ્રિયસુખમાં રચ્યાપચ્યા રહેવું.