વાત : ૩૫૭

વિષયમાં દોષબુદ્ધિ તે ક્યારે દૃઢ થાય ? તો જ્યારે ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગે ત્યારે થાય. જેમ કોઈ પુરુષ હોય તે કહે જે દિવસ ઊગ્યા પહેલાં જે આવે તેને બસેં રૂપિયા આપીશ ત્યારેતેને લેવાની કેવી ચાડ્ય થાય છે અને તેને કોઈક કહે જે તું આંહી રહે તુંને પાંચ રૂપિયા આપીશ અને જલેબી જમાડીશ એમ કહે ત્યારે એને તેનો સાચો અભાવ આવે જે મને બસેં રૂપિયા મળે છે તેમાં અંતરાય કરે છે તે માટે એ જ મારો શત્રુ છે. તેમ જેને જણાય જે આ લોકના પંચ વિષય છે તે ભગવાનના ધામમાં જાતાં અંતરાય કરે એવા છે એમ જાણીને તે ઉપર અતિશય દોષબુદ્ધિ કરે. તે ઉપર ભારત(મહાભારત)માં એક વાત છે, જે વ્યાસજી ચાલ્યા જાતા હતા ત્યારે માર્ગમાં એક કીડો પડ્યો રહેલ. તે કીડો ગાડાં આવતાં હતાં તેને ભયે કરીને માર્ગમાંથી બહાર નીકળ્યો ત્યારે વ્યાસજીએ પૂછ્યું જે અવળો કેમ ચાલ્યો ? ત્યારે તે બોલ્યો જે ગાડાં આવે છે તે પીલાઈ મરું તે વાસ્તે બહાર નીસર્યો. ત્યારે વાસજીએ કહ્યું જે મુવા, આંહીં શું સુખ છે, આગળ તો બહુ સુખ છે. પછી તે બોલ્યો જે મહારાજ, મને તો આ દેહમાં બહુ સુખ આવે છે. ત્યારે વાસજીએ કહ્યું જે તું મારા સામું જો. એમ કહીને તેને દેહ મુકાવીને કોઈક રાજા હતો, તેની રાણીના ગર્ભમાં મૂક્યો અને પછી તે જન્મ્યો. એમ કરતે દશ વીશ વર્ષનો થયો ત્યારે તે મોટો થયો. પછી નાના પ્રકારનાં સુખ ભોગવીને મોજ કરે છે એવા સમામાં વળી વ્યાસજી બજારમાં થઈને નીસર્યા. ત્યારે તે રાજા ગોખ ઉપર બેઠો હતો તે વ્યાસજીને જોઈને બોલ્યો જે એમને મેં દીઠા છે. ત્યારે તેને વ્યાસજીએ પૂર્વની સ્મૃતિ કરાવીને કહ્યું જે ઓ સુખ કેવું હતું ? ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, એ તે શું સુખ હતું ? આ તો બહુ સુખ છે. ત્યારે તે વ્યાસજીએ કહ્યું જે આથી આગળ બહુ સુખ છે. ત્યારે વળી તેને દેહ મુકાવીને કોઈક ચક્રવર્તી રાજાનો કામદાર હતો તે તેને ઘેર હજારો વહાણો ચાલે ને વાણોતર કમાણી કરે એવા શેઠને ઘેર જન્મ ધરાવ્યો. પછી વળી દશ, વીશ વર્ષ થયાં ત્યારે તે વ્યાસજી આવ્યા અને કહ્યું જે ઓ સુખ જેવું આ સુખ છે કે નહિ ? ત્યારે તેણે કહ્યું જે આ તો બહુ સુખ છે. ત્યારે કહ્યું જે આ સુખથી આગળ બહુ સુખ છે. એમ કરીને તેને દેહ મુકાવી દીધો અને પછી ભારે વેદ, પુરાણ ભણે ભણાવે અને તે શાસ્ત્રના અર્થે જાણે અને હજારો રૂપિયાનું વર્ષાસન ચાલ્યું એવા બ્રાહ્મણને ઘેર જન્મ ધરાવ્યો. પછી તો તે બીજબળી છે તે થોડે દિવસે કરીને વિદ્યામાત્રને ભણી ગયો અને શાસ્ત્રમાં આ પુણ્યે આવા સુખને પામે છે અને આ પાપે આવા દુઃખની પ્રાપ્તિ થાય છે એ સર્વેની વાતની ગમ પડી. ત્યારે વળી તે વ્યાસજી આવ્યા ત્યારે તે વ્યાસજીને પગે લાગીને કહ્યું જે મહારાજ ! તમે તો મારા ઉપર બહુ જ અનુગ્રહ કર્યો. ત્યારેતે વ્યાસજીએ કહ્યું જે ઓ સુખ એવું હતું ? ત્યારે તેણે કહ્યું જે એમાં શું સુખ હતું ? હવે તો સર્વે વાતની ખબર પડી. ત્યારે વ્યસાજીએ તેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિનો ઉપદેશ કરીને કહ્યું જે ધ્યાન કર. પછી સમાધિ કરાવીને પછી ભગવાનનાં દર્શન કરાવ્યાં. તેને પછી દેહ મુકાવીને ગરીબ બ્રાહ્મણને ઘેર દેહ ધરાવીને પછી તેને ઉપદેશ કરીને તેને ઘરનો ત્યાગ કરાવીને પછી તેની વાસના ટાળી નંખાવી અને તેને ભગવાનના ધામમાં પહોંચાડ્યો. તેમ જીવને જેમ આગળ અધિક સુખ જણાય ત્યારે તે વિષયમાંથી પ્રીતિ મૂકે. તે માટે જે બુદ્ધિમાન હોય તેણે ભગવાનના સુખમાં દૃષ્ટિ પુગાડવી. તે એમ સમજવું જોઈએ જે વૈરાટના એક દિવસમાં બ્રહ્મા તો મરી જાય છે. તેથી આગળ જ્યારે પ્રધાનપુરુષના સુખનો વિચાર કરે ત્યારે તે વૈરાટનું સુખ તુચ્છ થઈ જાય છે કેમ જે તે પ્રધાનપુરુષના એક મટકામાં અનંત વૈરાટ થાય છે અને પડી જાય છે. અને તેની આગળ જ્યારે મહાપુરુષના સુખનો વિચાર કરે ત્યારે તે પ્રધાનપુરુષના સુખનું તુચ્છપણું થઈ જાય છે. કેમ જે મૂળ પ્રકૃતિને વિષે પ્રધાનપુરુષ તે કેમ છે તો જેમ નિમિત્ત પ્રલયને વિષે ધ્રુવના તારા સુધી જળ ભરાય છે પછી તેમાં જેમ અનંત બુદબુદા થાય છે અને મટી જાય છે તેમ મહામાયાને વિષે અનંત પ્રધાનપુરુષ થાય છે અનેમટી જાય છે તેથી આગળ જ્યારે અક્ષરના સુખનો વિચાર કરે ત્યારે તે મહાપુરુષના સુખનું તુચ્છપણું થાય, કેમ જે જ્યારે અક્ષર તે મહાપુરુષ સામું જુએ છે ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવા સમર્થ થાય છે. તેથી આગળ જ્યારે પુરુષોત્તમ ભગવાન જે શ્રીજીમહારાજ તેની મૂર્તિના સુખનો જ્યારે વિચાર કરે ત્યારે તે અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય, કેમ જે અક્ષર તે અનંતકોટી મુક્તને ધારવાને સમર્થ છે તે પણ પુરુષોત્તમ મહારાજ તેમની દૃષ્ટિ વડે કરીને ધારવાને સમર્થ છે. એવા જે પુરુષોત્તમ તે આપણને પ્રકટ મલ્યા છે. તેમને મૂકીને જે બીજા સુખને ઇચ્છે છે તેને આવો મહિમા સમજાણો નથી અને એ મોટપને મેલીને માનને ઇચ્છે છે, સ્વાદને ઇચ્છે છે, સ્પર્શને ઇચ્છે છે, લોભને ઇચ્છે છે, તે ભગવાનના સુખને મૂકીને વિષય ભોગને ભોગવવાને ઇચ્છે છે તે મૂર્ખ છે અને તેને એ વાત સમજાણી નથી.।।૩૫૭।।



ટિપ્પણી

ચાડ્યઃ ત્વરા, વેગ, તાકીદ.

બુદબુદાઃ પરપોટા.