વાત : ૧૭૧
દેહ તો નર્કરૂપ છે તેને પૂજા સેવાદિકે કરીને શું ફળ થાય ? ઉત્તર : જે એમ તો મુમુક્ષુને પોતાના દેહને સમજવો ને જે સત્પુરુષનો દેહ છે તે તો નિર્ગુણ છે. જુઓને સચ્ચિદાનંદ સ્વામીના શરીરને બેડી, ભીંત ને તાળાંસોતાં કમાડ એ કોઈ આડાં આવ્યાં જ નહિ ને સ્વામી સંતદાસજીને પણ હિમાળો રોકી શક્યો નહિ ને વિજ્ઞાનદાસજીને પણ તાળાંસોતાં કમાડ ને ભીંત તે આડાં આવ્યાં જ નહિ ને તે આકાશમાર્ગે ઊડીને ગોલોકમાં વિરજ્યા નદીને વિષે જળપાન કરીને પાછા જ્યાં હતા ત્યાં આવ્યા. માટે એ સર્વે બ્રહ્મરૂપ હતા તો આવરણ કોઈ આડું ન આવ્યું. તે શ્રીમદ્ભાગવતમાં કહ્યું જે, ‘‘गुणापाये ब्रह्मशरीरमेति (અર્થ: ત્રણ ગુણોનો નાશ થાય છે ત્યારે બ્રહ્મશરીર એટલે ભાગવતીતનુને પામે છે.) એવી રીતે જે ભજન સ્મરણે કરીને તથા ધર્માદિક સાધનની પક્વતાએ કરીને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તે તો નિર્ગુણ છે ને છેલ્લા પ્રકરણના ૩૫મા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે કહ્યું છે જે છ લક્ષણે યુક્ત જે ભક્ત છે તેને પૂજને કરીને પરમેશ્વર પૂજાય છે ને તેનો દ્રોહ કરે તો શ્રીહરિજીનો દ્રોહ થાય છે.
साक्षात्संबंधतो यस्य कर्त्ता श्रद्धा च कर्म च ।
ज्ञानं स्थानं च द्रव्यादि गुणवच्चापि निर्गुणम्।।
અર્થ: કર્તા, શ્રદ્ધા, કર્મ, જ્ઞાન, સ્થાન અને દ્રવ્યાદિક સર્વગુણવાળા હોવા છત્તાં પણ નિર્ગુણ ભગવાનના સાક્ષાત્ સંબંધથી નિર્ગુણ થઇ જાય છે.
એમ કહી ધર્માદિક ચાર સાધનોની તથા સંત અસંતની અતિશય વાર્તા કરી.।।૧૭૧।।
ટિપ્પણી
તાળાંસોતાંઃ તાળાં સહિત.
હિમાળોઃ હિમાલય.
વિરજ્યા નદીઃ ગોલોક નદી.