વાત : ૩૭૬

પૂર્વે કહી જે દોષદૃષ્ટિ અને માહાત્મ્ય એ બેને જ્યારે સિદ્ધ કરે ત્યારે મનમાં વિષયના સંકલ્પ થાય છે તે બંધ થાય છે અને જ્યારે સંકલ્પ બંધ થાય ત્યારે સૂક્ષ્મ દેહનો નાશ થાય. અને જ્યારે સૂક્ષ્મ દેહનો નાશ થાય તો પણ લિંગદેહ ન ગળે. અને લિંગદેહ કેવું છે તો મન થકી પર જે બુદ્ધિ અને બુદ્ધિ થકીપર જે કારણ શરીરે યુક્ત અજ્ઞાનમય એવો અનાદિ જીવ છે. તે જીવમાંથી અવ્યક્ત પંચ વિષયનો રાગ ઊઠે છે અને પછી તેનો સૂક્ષ્મદેહમાં સંકલ્પ થાય છે. તે પંચ વિષયનો રાગ જેમાંથી ઊઠે છે તેને લિંગદેહ કહીએ. તે લિંગદેહ તો ટળવું બહુ કઠણ છે. તે લિંગદેહ ક્યારે ટળે તો જ્યારે નિત્ય પ્રલયે કરીને આ લોકનો નિષેધ કરે અને પ્રાકૃત પ્રલયે કરીને અનંત કોટિ બ્રહ્માંડનો નિષેધ કરે અને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન કરવું અને આત્યંતિક પ્રલયને વિષે પ્રકૃતિને પુરુષને વિષે લીન કરવી અને મહાપુરુષને અક્ષરને વિષે લીન કરવો એમ આત્યંતિક પ્રલયનું ઉપશમ કરીને પછી તે અક્ષર છે તે અક્ષરને જ પોતાનું સ્વરૂપ માનવું અને અક્ષરરૂપ એવો જે પોતાનો જીવ તે જીવમાં જ્યારે પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેની મૂર્તિનું નિરંતર ધ્યાન કરે ત્યારે વાસના લિંગદેહનો ભંગ થાય. તે વિના બીજા કોટિ ઉપાય કરે તોય લિંગદેહનો ભંગ ન થાય.।।૩૭૬।।