વાત : ૧૮૩

શ્રીજીમહારાજ અને સાધુ તેડવા આવે ત્યારે કેના ભેગું જાવું ? કેમ જે મહારાજ એમ કહે છે જે તમારે આ સાધુ સાથે હેત છે અને અમે આમ ફરીને આવીએ છીએ તે તમારી નજરમાં આવે તો અમારા ભેળા આવો કે તે સાધુ ભેળા જાઓ. ત્યારે કેના ભેગા જાવું ? તે વાસ્તે મહારાજના જેવું હેત કોઈ મુક્તને વિષે ન રાખવું અને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તેને તો એક ભગવાનને વિષે જ પ્રીતિ રાખવી પણ બીજા કોઈ મુક્તને વિષે ન રાખવી. અને જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે અતિ દૃઢ ન હોય તેણે તો કોઈક મોટા એકાંતિક સાધુ હોય તે સાથે હેત કરવું અને સત્સંગીની સભા બેઠી હોય ત્યારે તો પર્વતભાઈ જેવા પાસે બેસવું અને સત્સંગી સાધુની સભા બેઠી હોય ત્યારે તો ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી જેવા સંત પાસે બેસવું તથા હેત પણ મહારાજ સાથે રાખવું પણ બીજા કોઈને વિષે સંગ તથા હેત તે મહારાજના જેવું ન રાખવું અને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ બે બેઠા હોય તેમાં પણ જે સરસ હોય તેમની પાસે બેસવું એવી રીતે સત્સંગ કરવામાં વિવેક રાખવો પણ એ વાત ભૂલવી નહિ.।।૧૮૩।।