વાત : ૩૮૩

સત્સંગમાં તો અન્ન, વસ્ત્ર યથાયોગ્ય મળે છે તો પણ મૂંઝવણ રહે છે તેનું શું કારણ છે ? ઉત્તર : જે મૂંઝવણ તો પંચવિષયની આસક્તિએ કરીને રહે છે ને તે વિષયનાં બીબાં તો અનેક પ્રકારનાં છે તેને વિષે મૂંઝવણ માત્ર રહી છે. માટે પંચ વિષયની આસક્તિ ટાળીને સંત થાવું ને તે સંતનાં લક્ષણ મુક્તાનંદ સ્વામીએ ‘‘સંતજન સોય સદા મોય ભાવે’’ એ

धर्मस्त्याज्यो न कैश्चित्‌ स्वनिगमविहितो वासुदेवे च ।

भक्तिर्दिव्याकारे विधेया सितधनमहसि ब्रह्मणा स्वस्य चैक्यं।।

निश्चित्यैवान्य वस्तुन्यणुम्‌ अपि च रत्तिं संपरित्यज्य ।

सन्सस्तन्माहात्म्याय सेव्या इति वदति निजान्‌ धार्मिको नीलकण्ठः।।

(અર્થ :- કોઈ પણ મારા આશ્રિતજનોએ શ્રુતિ, સ્મૃતિએ કહેલો, પોતાનો જે વર્ણાશ્રમ ધર્મ તે ત્યાગ ન જ કરવો. અને પરમાત્મા સિવાય બીજી માયિક વસ્તુઓમાંથી લેશ પણ રાગને છોડી દઈ (સમગ્ર વાસનાઓથી રહિત થઈ) પોતાના આત્માની અક્ષરબ્રહ્મનીસાથે એકરૂપતાને વિચારી (અર્થાત્‌ હું અક્ષરબ્રહ્મ છું, એવી ભાવના કરીને) પ્રકાશમાન દિવ્ય શ્વેત તેજના સમૂહરૂપ અક્ષરબ્રહ્મ નામે ધામમાં વિરાજમાન, દિવ્યાકાર, વાસુદેવ ભગવાનની પરાભક્તિ કરવી અને અક્ષરબ્રહ્મધામાધિપતિ ભગવાનનું માહાત્મ્ય જાણવા માટે તેમના એકાંતિક સંતોની કાયા-વાણી-મનથી સેવા કરવી. એ રીતે ધર્મપુત્ર નીલકંઠ ભગવાને પોતાના ભક્તજનો પ્રત્યે કહ્યું. - સ. જી. પ્ર. ૫ અ. ૫૫-૨૮)

ચાર કીર્તનમાં કહ્યાં છે તેવા સંત થવાની દૃઢ રુચિ કરવી. ત્યારે સંતે કહ્યું જે એ ચાર કીર્તનનો જે ભાવ હોય તે કહો. ત્યારે એ શ્લોકને વિષે એ ચાર કીર્તનનું રહસ્ય છે તેને કહીએ છીએ : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરવી ને તેનું માહાત્મ્ય જાણવાને અર્થે સાચા સંતને સેવવા એ ચાર કીર્તનનું રહસ્ય છે. ને જે વિષયને વિષે આસક્તિ છે તેને કોઢ જેવી જાણવી ને ધર્મજ્ઞાનાદિકને વિષે જે આસક્તિ ઊપજે તેને તો પુત્રાદિકની પ્રાપ્તિ જેટલો આનંદ પામવો.।।૩૮૩।।