વાત : ૫૩૨

એક હરિભક્તે પૂછ્યું જે જગત ખોટું કેમ જણાય ? ત્યારે સ્વામી બોલ્યા જે જેમ બાળકો રમત કરે છે. તેમાં કેટલાક તો સૂર્ય ને કેટલાક તો ચંદ્ર લઈને આવે છે. ને વળી ધૂડ્યનાં વરકન્યા ને ધૂડ્યના કંસાર તે મૂત્રના ઘીમાં પલાળે છે. ને ધૂડ્યના મગ ચોખા કરે છે. એ સર્વે જેમ અસત્ય છે તેમ સંસાર વ્યવહાર પણ અસત્ય છે. પણ તેને બાળકની પેઠે સત્ય માન્યો છે માટે એ બાળક જ છે. એમ કહીને ભવાયાના રમતના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૫૩૨।।



ટિપ્પણી

ભવાયાનું દૃષ્ટાંતઃ ભવાયા વેષ કાઢે છે, તેમાં સ્ત્રીનો વેષ પણ કાઢે, પણ એ વેષ કાઢેલા (પુરુષ) ભવાયાથી સાચી સ્ત્રીની જેમ સંસાર માંડી વ્યવહાર કરી શકાતો નથી. તેવી રીતે હરિભક્તે સંસાર વ્યવહારમાં રહેવું તે વેષ કાઢીને રહેવું. સંસારના વિષયોમાં આસક્તિથી ન રહેવું.