વાત : ૧૮
અક્ષર વ્યતિરેકપણે કરીને તો હરિકૃષ્ણ પુરુષોત્તમ અને બ્રહ્મસ્વરૂપ થયેલા પુરુષોત્તમના અનંત કોટી મુક્તોને ધરી રહ્યા છે અને અન્વયપણે કરીને તો જગતની ઉત્પત્તિ અને સ્થિતિના કારણ એવા જે ઈશ્વરકોટી તેને તથા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એ બેયને વિષે જીવ, ઈશ્વરના દેહને તથા સુષુપ્તિના સાક્ષીપણે કરીને તો અનંત કોટી બ્રહ્માંડાભિમાની ઈશ્વરને અને અનેક કોટી પિંડાભિમાની જીવને ધરી રહ્યા છે. ને પોતે તો પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમની ઉપાસનાને વિષે તત્પર છે. ।। ૧૮ ।।
ટિપ્પણી
વ્યતિરેકપણેઃ જુદાં ગણતાં.
અન્વયપણેઃ સાથે ગણતા. જગતની સાથે ગણો તો અન્વયપણે, જગતથી જુદાં ગણો તો વ્યતિરેકપણે ગણ્યા કહેવાય.
બ્રહ્માંડાભિમાની ઈશ્વરઃ બ્રહ્માંડનું નિયમન કરનારા ઈશ્વરને તે બ્રહ્માંડનું સદાય સાતત્ય, અભિમાન રહે છે તેથી.
પિંડાભિમાની જીવઃ જીવ છે તે દેહને વિષે રહ્યો છે, તેને સદાય દેહનું અનુસંધાન, અભિમાન રહે છે તેથી.