વાત : ૪૧૪
અને આળસ, પ્રમાદ, મોહ, ઈર્ષા, દંભ ને કપટ એટલા જે એ દોષ તેનાં લક્ષણ તથા તેમને જીતવાના પ્રયત્નો કહીએ છીએ જે જેને સારું નરસું કાંઈ કરવું નહિ એવું વર્તે તેને આળસ કહીએ. ને જેને ન કરવાનું ને ન કરવું એવું વર્તે તેને પ્રમાદ કહીએ. ને જેને બીજું હોય ને બીજું જણાય એમ વર્તતું હોય તેને મોહ કહીએ. ને એ ત્રણેય દોષ એક એકમાં મળી જાય એવા છે, તે ત્રણ દોષ તો ત્યારે ટળે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેણે યુક્ત હોય ને એ દોષ જેવા છે તેવા તેને જાણતા હોય તથા તેને ટાળ્યાના ઉપાયને પણ યથાર્થ જાણતા હોય એવા જે મોટા સંત હોય તેને એમ કહેવું જે એ પૂર્વે કહ્યા એવા જે દોષ તે મારામાં આવે ત્યારે તમારે મુને ટોકવો. પછી તે મોટા સંત સ્વભાવ ઉપર ખટો રાખીને નિરંતર ટોકે ત્યારે તેને ખમે ત્યારે ધીરે ધીરે કાળે કરીને એ સ્વભાવ ટળે પણ તે વિના ન ટળે. અને ઈર્ષાને એમ ઓળખવી જે પોતાના બરોબરિયાની ઉત્કૃષ્ટતા જણાય ત્યારે તેના ઉપર ઈર્ષા આવે ત્યારે તેનો એમ વિચાર કરવો જે મારે એના ઉપર ઈર્ષા આવી તે એનામાં દોષ છે ને આવી, કે નથી ને આવી ? પછી એનો નિર્ધાર કરીને એવો વિચાર કરવો જે એનામાં દોષ નથી ને મુને એનો અવગુણ આવ્યો માટે મારો ઈર્ષાવાળો સ્વભાવ છે. પછી તે ઈર્ષાને એમ ટાળવી જે એનામાં જે ગુણ હોય તેને વિચારવા જે આવી રીતે તેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત ભક્તિ તથા દેશકાળે ન ડગે એવો ભગવાનનો નિશ્ચય છે તથા સત્સંગને વિષે આત્મબુદ્ધિ દૃઢ છે. તથા દેશકાળે કરીને સત્સંગમાંથી એનો પગ મોળો પડે એવો નથી. ઇત્યાદિક જે એનામાં મોટા મોટા ગુણ પ્રવર્ત થાય છે ને મારામાં એ ગુણ છે ખરા પણ દેશકાળે કરીને એનો ઠા રહે એમ જણાતું નથી ને મુને એમના ઉપર ઈર્ષા આવે છે એ મારામાં અતિ ભુંડો દોષ છે ને મારું પરલોકમાં અતિ ભૂંડું કરે એવો છે એમ જાણીને પછી તેના ગુણને વિચારીને તેનો વારંવાર ગુણ લેવો. ને જો તેને મોઢે દીન વચન બોલીને પ્રાર્થના થાય તો તેને પગે લાગીને તેની આગળ પ્રાર્થના કરીને કહેવું જે મને ઈર્ષાયે કરીને તમારો અવગુણ આવ્યો છે માટે મારો અપરાધ ક્ષમા કરજો ને એને મોઢે ન કહેવાય તો મનમાં તેની પ્રાર્થના વારંવાર કરવી ને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ ! મારામાં ઈર્ષા રહી છે તેને તમે ટાળો એમ વારંવાર ભગવાનની પ્રાર્થના કરવી ને એમ વિચાર કરવો જે એ ઈર્ષા જો મારામાં રહેશે તો તેણે કરીને મારે પરલોકને વિષે પ્રાપ્તિમાં બહુ ફેર રહેશે. ને ભગવાન મારા ઉપર રાજી નહિ થાય. એમ મનમાં નિરંતર ખટકો રહે ને તે ઈર્ષા ન ટળે ત્યાં સુધીમાં પશ્ચાત્તાપ કર્યા કરે તો ધીરે ધીરે ઈર્ષાટળે ને દંભને એમ ઓળખીને ટાળવો જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા ત્યાગ તથા ધ્યાન તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું તથા માહાત્મ્ય કહેવું એ આદિક જે જે કરે તે લોકને દેખાડ્યાને અર્થે ઉપરથી રાખે પણ કોઈ ન દેખે ત્યારે નજરમાં આવે તેમ કરે એવું જ્યારે જણાય ત્યારે એમ જાણવું જે મારામાં દંભ છે. પછી તેને એમ ટાળવો જે હું જે જે સાધન કરું છું તે ઉપરથી દંભે કરીને લોકને દેખાડ્યાને અર્થે કરું છું તે મારામાં અતિ મોટો દોષ છે. એમ જાણીને પછી એમ વિચાર કરવો જે આ લોકની જે મોટપ તે કેટલાક દિવસ ચાલશે ? એ તો નહિ જ રહે, ને ભગવાન મારા હૃદયમાં રહ્યા થકા મારામાં જે ગુણ તથા અવગુણ તેને નિરંતર જોઈ રહ્યા છે તે માટે મારામાં જો લગારેક પણ દંભ રહેશે તો તેથી મારું પરલોકમાં બહુ જ ભૂંડું થાશે. એમ જાણીને નિરંતર મનમાં ખટકો રાખે ને તેને ટાળ્યાના ઉપાયમાં શૂરવીરની પેઠે તત્પર રહે ને જે નિરદંભી મોટા એકાંતિક સાધુ હોય તેની નિર્દંભપણે અનુવૃત્તિએ સહિત મન, કર્મ, વચને કરીને સેવા કરે ત્યારે ટળે. અને જે કપટી હોય તે તો ઉપરથી દેખાડ્યાને અર્થે ધર્માદિકને પાળે ને કોઈ ન દેખે તો ન પાળે એવો જે હોય તેને કપટી જાણવો. તે કપટને ટાળવા સારુ એમ વિચાર કરવો જે મારામાં કપટ છે માટે એ કપટે કરીને મારો જીવ આસુરી થઈ જાશે. એમ વિચારીને પછી તેને ટાળ્યાને અર્થે મનમાં નિરંતર અનુતાપ રહ્યા કરે ને તે કપટ ન ટળે ત્યાં સુધી જેમ જળ વિના મચ્છ તરફડે તેમ તેને રાત્રિ દિવસ નિદ્રા ન આવે તથા શીત, ઉષ્ણ, ભૂખ, તરસની પણ ખબર ન રહે. પછી જે મોટા એકાંતિક સંત હોય તેને એ કહે જે હે મહારાજ ! મારામાં આ દોષ છે તે ટળે એવો ઉપાય મને દયા કરીને બતાવો ને દોષ મારામાંથી ટળે ત્યાં સુધી દયા કરીને મને કઠણ વચનના ડંખ મારીને મારો એ દોષ ટાળી નાખો. એમ કરે તો ધીરે ધીરે એ દોષ કાળે કરીને ટળી જાય.।।૪૧૪।।
ટિપ્પણી
અનુતાપઃ પશ્ચાત્તાપ, પસ્તાવો.