વાત : ૧૪

દિવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જતો હતો તેને લોજમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો તેને શ્રીજીમહારાજે કહ્યું : ‘જે તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.’ ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કાર્યા. તેમાં તે દ્વારા એ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો; ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે કહ્યું જે હે મહારાજ ! પ્રથમ હું રામાનંદ સ્વામીને ભગવાન જાણતો પણ તે રામાનંદ સ્વામીના જેવો મને આ બાળકને વિષે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો ત્યારે તમારા મોટા મોટા જે સાધુ ને સત્સંગી તેનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક હશે એમ હું જાણું છું. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને કહો. ત્યારે શ્રીજીમહારાજે તે પ્રત્યે કહ્યું જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવના દેહમાં પ્રવેશ કરીને તેના અંતરની વાર્તા જાણે એવા છે. માટે પૂર્વે થયા જે અવતાર તેના જેવું ઐશ્વર્ય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગીમાં જણાય છે. અને અમે તો સર્વે અવતારના અવતારી સર્વોપરી પ્રકટ પુરુષોત્તમ નારાયણ છીએ. તે વાર્તા સાંભળીને તે ભક્તને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની વાર્તા કરી તે સાંભળીને બીજા રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જે જૂના હરિભક્ત હતા તેમના માન્યામાં ન આવી. ત્યારે શ્રીજીમહારાજ પાસે સર્વે મળીને આવ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે ધ્યાનમાં બેસો ને જેમ છે તેમ એ વાત તમને જણાશે. ત્યારે તે ધ્યાનમાં બેઠા તેમને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંત પાર્ષદે યુક્ત પોતાની દિવ્ય મૂર્તનું દર્શન કરાવ્યું ને રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સેવાને વિષે દીઠા ને સર્વે સ્તુતિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા એમ દીઠું. પછી તે ભક્તોને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે સર્વે ભક્તોએ સમાધિમાંથી નીસરીને કહ્યું જે, હે મહારાજ ! તમે સર્વોપરી પુરુષોત્તમ છો. માટે તમારા પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા : જે આ પુરુષોત્તમ તો આ બ્રહ્માંડને વિષે ક્યારેય આવ્યા નથી ને આવશે પણ નહિ માટે આ તો સર્વોપરી મૂર્તિ છે માટે આ જે નિશ્ચય તે ફરવા દેવો નહિ. ।। ૧૪ ।।