વાત : ૩૧૧

અને માનસી પૂજાને વિષે તથા સ્થૂળ દેહે કરીને પૂજા કરીએ તેને વિષે રસના આદિક ઇંદ્રિયુંની વૃત્તિ કેમ કરવી ? ત્યારે તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે પરમેશ્વરની મૂર્તિને આગળ ધારવી પછી તેને જિહ્‌વાદિક દ્વારાએ કરીને અંતરમાં ઉતારવી પછી સત્તારૂપ થઈને તે સામું જોઈ રહેવું એમ ને એમ કર્યા કરે તો રાગ ઓછા થઈ જાય છે. ને જે સંકલ્પ વિકલ્પ કર્યાની વૃત્તિ કરે તો રાગ ઓછા થઈ જાય છે. ને જે સંકલ્પ વિકલ્પ કર્યાની વૃત્તિ છે તે વાસનાલિંગ શરીર કહેવાય છે ને જે અવ્યક્તપણે રહ્યું છે તે કારણ શરીર છે ને જ્યારે અતિ રાગ થઈ જાય છે ત્યારે તે સ્થૂળ થઈ આવે છે. જુઓને નેત્રની આગળ સર્વે સંકલ્પની ગાંઠ્યું રહી છે જે આ ઝાડની પંક્તિ છે ને આ મનુષ્યની પંક્તિ છે તે નેત્ર વીંચીને જુઓ તો પણ જણાઈ આવે. અને સ્પર્શના સંકલ્પ થાય ત્યારે તે વૃત્તિને મસ્તકને વિષે રાખે તો તેે સંકલ્પ ટળી જાય છે. તેમ જ શબ્દની વૃત્તિને નેત્રમાં રાખે તો શ્રોત્રવૃત્તિ ઓછી થઈ જાય છે. તેમ જ શબ્દની વૃત્તિને નેત્રમાં રાખે તો શ્રોત્રવૃત્તિ ઓછી થઈ જાય છે. એ યોગકળા છે. અને સૌભરી ઋષિને યોગકળા એકલી જ આવડતી હતી, પણ જ્ઞાનકળા આવડતી નહોતી તેથી યોગબળે કરીને જ સર્વે ક્રિયા કરી, અને ભ્રમર જેમ કમળને વિષે સ્નેહે સોતો ચોંટી રહે છે તેમ ભગવાનના સ્વરૂપને વિષે પ્રીતિએ સોતા જોડાઈ જાવું. અને કપિલજીએ દેવહુતિ વાર્તા કરી જે મહિમાએ સહિત ભક્તિ ને ભક્તિએ સોતુ જ્ઞાન ને જ્ઞાને સોતો વૈરાગ્ય, ઇત્યાદિકની પક્વતાએ કરીને મોહ ટળી જાય છે. અને એ જ્ઞાનાદિકનું શ્રવણ, મનન ને નિદિધ્યાસ બહુ કરે ત્યારે સાક્ષાત્કાર થાય છે પણ એ ઉતાવળે થાતું નથી. એમ ને એમ વૈરાગ્યે સહિત કર્યા કરે તો સિદ્ધ થાય છે. એમ કહીને સ્વામીએ હરજી ઠક્કર સામું જોઈને કહ્યું જે તમને આંક મેળવતાં જેમ કઠણ પડતા નથી તેમ ધર્મ, જ્ઞાનાદિક અભ્યાસે કરીને સરળ થઈ જાય છે.।।૩૧૧।।