વાત : ૫૮

અને સ્વામીએ વાત કરી જે एकोऽहं बहु स्याम (અર્થ: હું એક છું તેમાંથી બહુ રૂપે થાઉ) એ શ્રુતિનો અર્થ શ્રીજીમહારાજે કર્યો છે જે એક એવા જે પુરુષોત્તમ ભગવાન તે અંતર્યામીપણે કરીને અક્ષરબ્રહ્મ તથા પ્રકૃતિપુરુષ આદિકને વિષે તારતમ્યપણે કરીને રહ્યા છે. તે કાષ્ટમાં રહેલ અગ્નિને દૃષ્ટાંતે કરીને કહ્યું છે ને તે તેમ જ છે કેમ જે અંતર્યામી સ્વરૂપ જે પ્રકાશ તે રૂપે કરીને પુરુષોત્તમ ભગવાન સર્વેને વિષે રહ્યા છે એમ પુરુષોત્તમ ભગવાનનું વ્યાપકપણું સમજવું.।।૫૮।।



ટિપ્પણી

કાષ્ઠમાં રહેલ અગ્નિઃ મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે, ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે, ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે. (વચનામૃત : ગઢડા પ્રથમ ૪૧).