વાત : ૩૨

એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક તેમની મૂર્તિનાં બે ચરણારવિંદથી લઈને મસ્તક પર્યંત સર્વે અંગને પૃથક્‌ પૃથક્‌ ધારીને એકાંત સ્થળને વિષે બેસીને ઇંદ્રિયો, મન, પ્રાણ, તેમનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિષે અતિ દૃઢ મતિએ કરીને અતિ દૃઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિજીનું ધ્યાન કરવું અને સાધ્વી, ચકોર, શલભ, મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા એ જેમ પોતાના વિષયમાં નિમગ્ન છે તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદિત થકો નિમગ્ન રહે ને જેમ સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં દૃઢ વિશ્વાસ રાખીને મંડ્યા હતા તેમ યોગી તેણે મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિને ધારવાનો નિત્ય નવો નવો અધ્યાસ રાખવો ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનના વિરોધી છે માટે એનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહિ તો ન થાય. અને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસાનુદાસ થઈને રહે છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. ।। ૩૨ ।।



ટિપ્પણી

કારુણિકઃ કરુણાવાળા.

પ્રત્યાહારઃ વિષયોમાંથી (ઇંદ્રિયોથી ભોગવવાના પદાર્થ, કામભોગ) મનની વૃત્તિઓને પાછી હઠાવીને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરવી તે.

પૂર્વાપર રાત્રિઃ રાત્રિના આગળ ને પાછળના ભાગ.

શલભઃ તીડ.

ચકવા, ચકવી ને બપૈયાઃ એ નામનાં પંખીઓ.

અધ્યાસઃ સતત લક્ષ.