વાત : ૪૧
એક દિવસ શ્રીજીમહારાજે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે તમે ઇન્દ્રલોકમાં જાઓ; ત્યારે તેમણે કહ્યું જે જઈ આવ્યો. ત્યારે ફરીને આજ્ઞા કરી જે બ્રહ્માના કમળના નાળનો પાર લઈ આવો. ત્યારે તે કહે જે પાર લઈ આવ્યો. ત્યારે વળી આજ્ઞા કરી જે ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મધામને વિષે જાઓ. ત્યારે તે કહે જે જઈ આવ્યો. ત્યારે વળી આજ્ઞા કરી જે ભૂમાપુરુષ પાસે જાઓ ત્યારે તે કહે જે ત્યાં તો હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે તે કેમ જવાય ? ત્યારે શ્રીજીએ કહ્યું જે તમે પણ તેવા રૂપને ધરીને તેને જીતીને જાઓ. ત્યારે તેણે તેમ કર્યું ને ફરી તેણે કહ્યું જે બીજો દશ હજાર માથાનો દૈત્ય આગળ માર્ગમાં છે તે કેમ જવાય ? ત્યારે શ્રીજીમહારાજ કહે, તમે પણ તેથી મોટું રૂપ ધરીને ને તેને જીતીને જાઓ. પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે ભૂમાપુરુષે કહ્યું જે પુરુષોત્તમનો પ્રગટપણે પૃથ્વીને વિષે અવતાર થયો ? ત્યારે સંત કહે, હા થયો. એ વાર્તા સાંભળીને ભૂમાપુરુષ જે તે અતિશય ગદ્ગદ કંઠ થઈને રાજી રાજી થઈ જાતા હવા. ને તે સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધીમાન ને અતિ સરસ પુષ્પ ચંદનાદિકે કરીને અતિશય ભારે પૂજા કરતા હવા. ને અતિશય આનંદે સોતા શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે મને જ્યારે આ સ્થાનકને વિષે મહારાજે મોકલ્યો હતો ત્યારે કહ્યું હતું જે અમો બ્રહ્માંડને વિષે પધારશું ત્યારે તમારી પાસે સંતને મોકલશું તે વચન આજ સત્ય ઠર્યું. એવી રીતે પરસ્પર બે જણે મહારાજની વાર્તા સારી પેઠે કરી. પછી તે સંતે એ લોકના ચાર ભૂજાવાળા મુક્તોને શ્રીહરિજીની વાર્તા કરીને એમને પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવીને બ્રહ્મપુરને વિષે મોકલી દીધા ને પછી શ્રીજી પાસે આવીને પોતાનું વૃત્તાંત જેમ થયું તેમ કહ્યું. તે વાત સાંભળીને શ્રીજીમહારાજે વિચાર કર્યો જે જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે તેમ અમારે પણ અનેક જીવોનાં કલ્યાણ કરવાં છે. એમ વિચારીને પોતે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી જે સર્વે નરકકુંડના જીવ માત્રને ચતુર્ભુજરૂપ ધરાવીને ભૂમાપુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ કર્યું. એવી રીતે શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું અતિશય પ્રગટ કર્યું છે. ।। ૪૧ ।।
ટિપ્પણી
સાધર્મ્યપણુંઃ દાસત્વભાવે સ્વરૂપ, સ્વભાવ અને ગુણધર્મની સમાનતા હોવાપણું.
ભૂમાપુરુષઃ પ્રધાનપુરુષ, આ પૃથ્વીના ગોળાની અંદર અડતાલીશ કરોડ યોજન અવકાશ છે. તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે, તેના ફરતો લોકાલોક પર્વત છે. તે લોકાલોકને ફરતું અંધકાર છે. તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે. તે દળની ને અંધકારની વચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદો સહિત રહે છે, તે ધામને અવ્યાકૃત ધામ કહે છે. પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્ત્વનાં આવરણ છે, તેનાથી પર પ્રધાનપુરુષનું આવરણ છે ત્યાં ભૂમાપુરુષનું ધામ છે. ત્યાં રહ્યા થકા અવ્યાકૃત ધામમાં દર્શન દે છે. (વચનામૃત : ગઢડા પ્રથમ ૬૬)