વાત : ૪૯૫

અને સર્વે વર્ણને વિષે ધર્મ કેમ રહ્યો છે ? એ પ્રશ્નનો ઉત્તર જે કોઈકને વિષે તો અર્થને લઈને ધર્મ રહ્યો છે ને કોઈકને વિષે તો કામને લઈને ધર્મ રહ્યો છે ને કોઈને વિષે કપટે કરીને ધર્મ રહ્યો છે. ઇત્યાદિક ઘણે પ્રકારે કરીને રહ્યો છે. પણ કેવળ મોક્ષને અર્થે નથી જણાતો. ત્યારે કોઈકે પૂછ્યું જે ત્યાગીને હશે ? ત્યારે સ્વામી કહે એમાં પણ નાત્યને લઈને તથા પ્રબંધે કરીને રહ્યો છે. ત્યારે ફરી પૂછ્યું જે તે મોક્ષને અર્થે કેમ થાય ? ત્યારે સ્વામી કહે સત્પુરુષને ઓળખીને તેમનો સંગ, મન, કર્મ, વચને કરે ને તેમના હાથ તળે રહ્યો થકો વર્ત્યા કરે તો મોક્ષને અર્થે થાય છે. ને એમ ન વર્તે તો ધર્મ, અર્થ ને કામ પર થઈ જાય છે. એમ કહીને અર્જુનના શૂરવીરપણાની વાત સાથે બીજા પણ શૂરવીરોની વાત કરી.।।૪૯૫।।



ટિપ્પણી

શૂરવીરનું દૃષ્ટાંતઃ અર્જુન એવા શૂરવીર અને નિશાનબાજ હતા કે એમણે છોડેલું બાણ કદી નિષ્ફળ જતું નહિ. તેમનું નામ સાંભળીને અન્ય યોદ્ધાઓએ શૂરાતન ચડી જતું.

એક ગામમાં ઘણાં શૂરવીર લોકો હતાં. ધીરે ધીરે એ મૃત્યુ પામ્યા, ને એક વૃદ્ધ શૂરવીર જીવતા રહ્યા. એ ગામમાં હવે કોઈ શૂરવીર જીવતો રહ્યો નથી એમ માનીને લૂંટારાઓ એ ગામ લૂંટવા આવ્યા. એ વૃદ્ધ શૂરવીરને શૂરાતન ચડ્યું ને ‘મારું કે મરું’નો નિશ્ચય કરી નીકળ્યા. તેમને જોઈને ગામના અન્ય લોકોને પણ શૂરાતન ચડ્યું. ને બધાં હથિયારો લઈને નીકળ્યા. ઘણાં માણસોને આવતા જોઈને લૂંટારા ભાગી ગયા.

એક વાર હરિભક્ત મૂળજી ક્ષત્રિયની આંગળી કપાઈ ગઈ તો ય તે હસતા હતા. સંતોએ પૂછ્યું કે પીડા થતી નથી ? મૂળજી કહે : હું ક્ષત્રિય છું, મારાથી પીડાનું બોલાય પણ નહિ.

ખબડ-માતરા સાથે ભગુજીને યુદ્ધ થયું ત્યારે ખબડે ભગુજીને ઘા કરવા કહ્યું ત્યારે ભગુજી કહે : ક્ષત્રિય પહેલો ઘા કરે નહિ, તું ઘા કર. એ ઘાથી ઘવાયેલા ભગુજીએ ખબડને મારેલો.

લોયાના બીજા વચનામૃતમાં શ્રીજી કહે છે કે શૂરવીરના ઇંદ્રિયો-અંતઃકરણ એનાથી થર થર કાંપતા રહે છે.

એ રીતે સત્પુરુષના હાથ તળે વર્તે તેનો મોક્ષ થાય.