વાત : ૨૨૩
અને એક દિવસ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ અતિ કરુણા કરીને વાત કરી જે આ દેહને વિષે તો કેવળ દુઃખ જ છે પણ સુખ નથી. ત્યારે કોઈ કહેશે જે સુખ તો થાય છે. તો એનું એમ છે જે દુઃખ અધિક થયું હોય તે મટે ત્યારે કહે જે સુખ થયું પણ એ તો સુખ નથી થયું, દુઃખ જેમ હતું તેમ જ રહ્યું છે પણ જે અધિક દુઃખ હતું તે મટ્યું. વળી જેમ કોઈ પુરુષ ભૂખ્યો તરસ્યો હોય તે અન્ન ખાય તથા જળ પીવે ત્યારે કહે જે સુખ થયું પણ એમાં કાંઈ સુખ થયું નથી. એ તો એ વખતની ભૂખ ને તરસ ગઈ ને તેનું દુઃખ તો એમનું એમ છે. અને વળી કોઈક પુરુષ માંદો હોય તે સાજો થાય ત્યારે કહે જે હવે સુખ થયું. પણ એમાં શું સુખ થયું ? દુઃખ તો એમનું એમ જ છે. એ તો અધિક દુઃખ થયું હતું તે મટ્યું છે. પણ સુખ તો ત્યારે થાય જે પંચવિષયની જીવમાં વાસના છે તેને ટાળીને કેવળ આત્મારૂપ થઈને પુરુષોત્તમનારાયણ એવા જે શ્રીજીમહારાજ તેમની જ્યારે માહાત્મ્યે સહિત નિષ્કામભાવે કરીને પ્રેમ લક્ષણા ભક્તિ કરે તથા તે ભગવાનને વિષે અતિશય હેત કરે. જેમ અતિશય કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત છે તથા અતિશય લોભીને ધનને વિષે જેવું હેત છે તેવું હેત મહારાજને વિષે કરવું. ને એવી રીતનો ભક્ત જ્યારે દેહનો ત્યાગ કરીને ભાગવતી દેહે કરીને અવતારી એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભક્તિ-ધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણજી મહારાજ તેમની સેવામાં રહે ત્યારે સુખ થાય, પણ તે વિના તો જેમ જેમ અધિક સંપત્તિને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે. તે ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત જેમ જેમ અધિક ઐશ્વર્ય ને અધિક મોટ્યપને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે. પણ સુખ તો એક મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય નથી.।।૨૨૩।।