વાત : ૪૫૬
પુરુષોત્તમ ભગવાન, અક્ષર ને અક્ષરના મુક્ત, પુરુષ, કાળ, માયા, જીવ, ઈશ્વર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યે સહિત શ્રીજીની ભક્તિ તથા વ્યવહાર એ સર્વેનું જ્ઞાન યથાર્થ જાણ્યું જોઈએ ને વ્યવહારનું જ્ઞાન ન જાણ્યું હોય તો પણ મૂંઝવણ આવે છે. તે ઉપર માવા ભક્તને દૃષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી.।।૪૫૬।।
ટિપ્પણી
માવા ભક્તનું દૃષ્ટાંતઃ માવાભાઈ નામના હરિભક્ત હતા, જેમને વ્યવહારમાં કાંઈ ખબર પડતી નહિ. તેમણે એક વાણિયાને પૈસા ઉધાર આપેલા. તે પૈસાની ઉઘરાણી કરવા તે વાણિયાના ગામ ગયા, તેમને જોઈને વાણિયો (ઢોંગ કરીને) રડવા લાગ્યો. માવાભક્તે પૂછ્યું કે કેમ રડે છે ? વાણિયો કહે : મારી પાસે બિલકુલ પૈસા નથી, હું તમને કેવી રીતે પૈસા આપીશ ? હું નિર્ધન ક્યાંથી ધન લાવીશ ? વગેરે કહીને તે તો ફરી રડવા લાગ્યો. માવાભક્ત કહે : અત્યારે ન હોય તો પછી પૈસા આપજે. તો પણ વાણિયો રડતો બંધ થયો નહિ. માવાભક્તે પૂછ્યું કે હજુ કેમ રડે છે ? વાણિયો કહે : જ્યારે પણ પૈસા લેવા આવશો ત્યારે હું પૈસા ક્યાંથી કાઢીશ ? માવાભક્ત કહે : જા, એ પૈસા તને કૃષ્ણાર્પણ કરી દીધા, હવે લેવા ય નહિ આવું, બસ. એમ કહીને દસ્તાવેજમાં કહી દીધી કે પૈસા મળી ગયા છે. આ રીતે માવાભક્તને ભોળવીને પૈસા ખોટા કરાવી ગયો.
માવાભક્ત પાસે ઘાસચારાનો મોટો ગંજ હતો. તે ઓછા પૈસા ખરીદી લેવા એક પટેલ આવ્યા. માવાભક્તે તેની કિંમત ૧૫૦ રૂ. કહી, તો પટલે કહે : કાંઈક ઓછું કરો. માવાભક્તે સીધા ૧૦૦ રૂ. કહ્યા. પટેલ કહે : હજી વધારે પડે છે, માટે કાંઈક ઓછા કરો. માવાભક્ત કહે : તો પચાસ દઈ દો ! પટેલ એ ગંજી લઈ ગયા. પછીથી આવીને માવાભક્તને કહે કે એમાંથી તો ચાલીસ રૂપિયાનું જ ઘાસ નીકળ્યું એટલે લો ચાલીસ રૂપિયા રાખો. માવાભક્તે કહ્યું : ઠીક, એમ હશે. એમ કહી રૂ. ૪૦ લીધા. આમ, વ્યવહારની કાંઈ ખબર પડતી નહિ તેથી વ્યવહાર ચલાવવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડતી. આ રીતે ભગવાન સંબંધી જ્ઞાન યથાર્થ જાણ્યા વિના મૂંઝવણ થાય.