વાત : ૯૧
જીવમાં પંચવિષયરૂપી રાગ રહ્યા છે તે ક્યારે ટળે તો જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દૃષ્ટિ કરે તથા ભગવાનની મૂર્તિને વારંવાર ધારે. તે કેમ ધારે તો જાણીને ભગવાન આગળ ચાલ્યા આવે છે તે ભગવાનની મૂર્તિને ત્વચાએ કરીને સ્પર્શ કરતે કરતે દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરતો જાય અને ભગવાનની મૂર્તિને જીવમાં ધારે. પછી એમને એમ ધારતે ધારતે જ્યારે દેહના ભાવ ખોટા થઈને કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે. પછી જાણીએ ભગવાન ભારે ભારે શણગાર પહેરીને આગળ સામા ચાલ્યા આવે છે. પછી તે ભગવાનને નેત્રે કરીને દર્શન કરતે કરતે મૂર્તિને પ્રતિલોમપણે કરીને જીવમાં ઉતારતે જાવું. અને દેહના તથા ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે જાવું. પછી જ્યારે કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે પણ બીજો કોઈ આકાર ન રહે, ત્યારે વળી તે મૂર્તિને બહારે લાવે. પછી જાણીએ ભગવાન ગાતા ગાતા ચાલ્યા આવે છે. પછી શ્રવણ ઇંદ્રિયની વૃત્તિદ્વારે મૂર્તિ જીવમાં ઉતારતા જાવું અને દેહ ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે કરતે જ્યારે જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે છે ત્યારે વળી તે મૂર્તિને બાહેર લાવે. પછી જાણીએ ભારે અત્તર, ચંદનાદિકની સુગંધીએ યુક્ત થકા ચાલ્યા આવે છે. પછી નાસિકા ઇંદ્રિય દ્વારા એ ભગવાનનો સુગંધ લેતે જાવું ને દેહ ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે જાવું. પછી જ્યારે માયાના ભાવમાત્ર ટળી જાય અને સત્તામાત્ર જે જીવ તેમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે ઇંદ્રિયોને ખોટા કરતે કરતે કેવળ સત્તામાત્ર જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ પંચવિષય સંબંધી ઘાટ ન થાય, પણ બીજો કોઈ એવો ઉપાય નથી, ત્યારે તે જે કેવળ જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવું. પછી એમ માનવું જે મારો જીવાત્મા છે તે જ અક્ષરબ્રહ્મ છે. કેમ જે અક્ષરમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેના તે જ મારા જીવાત્માને વિષે રહ્યા છે. એમને એમ પાંચ ઇંદ્રિયો તથા ચાર અંતઃકરણ સંબંધી જે ભાવતેને ખોટા કરતા જાવું, એમ વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તેટળે પણ તે વિના બીજા કોટિ ઉપાય કરે તો ય પણ જીવમાં રાગ છે તે ન ટળે. તે સમાધિનિષ્ઠ હોય તથા જ્ઞાની હોય તથા વિચારવાન હોય તો ય પણ જીવમાંથી રાગ ન ટળે. જીવમાંથી તો જ્યારે પૂર્વે કહ્યું તેવી રીતે વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને જોઈ રહે તો જીવમાં પંચવિષયની વાસના છે તે ટળે ને જો ધ્યાનનો ઉપાય કહ્યો એમ ન કરે તો જીવમાંથી રાગ ન ટળે. માટે લિંગ દેહને ટાળવાનો એ જ ઉપાય છે.।।૯૧।।
ટિપ્પણી
પ્રતિલોમ ધ્યાનઃ કોઈ વ્યક્તિ ખુરશીમાં બેસવા જાય ત્યારે બેસનારનું ને ખુરશીનું મુખ સામસામા હોય છે. ખુરશી પાસે જઈને બેસનાર અવળો ફરે છે, જેથી ખુરશીનું ને બેસનારનું મુખ એકતરફ થઈ જાય છે, ત્યારે બેસનાર ખુરશીમાં બેસે છે. તે રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે ભગવાનનું મુખ ને ધ્યાન કરનારનું મુખ સામસામા હોય. પછી ધ્યાન કરનારે ભગવાનના સ્વરૂપને અવળું ફેરવીને પોતાના મુખેમુખ કરવું પડે. આમ કરે ત્યારે ભગવાન, ધ્યાન કરનારના હૃદય સિંહાસનમાં બિરાજે. આમ ભગવાનના સ્વરૂપને ઊલટાવીને એ સ્વરૂપનું ધ્યાન કરે તે પ્રતિલોમ ધ્યાન. સન્મુખ મૂર્તિ ધારે તે લોમ (કે અનુલોમ) ધ્યાન. (લોમઃ સવળું, પ્રતિલોમઃ અવળું)
પંચ ઇંદ્રિયો તથા ચાર અંતઃકરણઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો- શ્રોત્ર (કાન), ત્વક (ચામડી, ત્વચા), ચક્ષુ (આંખ), રસના (જીભ), ઘ્રાણ (નાક). ચાર અંતઃકરણ- મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.