વાત : ૫૧૧

અને એક દિવસ સ્વામી સંત હરિભક્ત ઉપર અતિ કૃપા કરી બોલ્યા જે બે પ્રકારનું જે જ્ઞાન છે તેનાં લક્ષણ તથા તેને ઊપજવાનો જે ઉપાય તે આજ કહીએ છીએ. તે બે પ્રકારનું જ્ઞાન કિયું ? તો એક તો એવું જ્ઞાન હોય જે તેમાં વિષયનો અવ્યક્ત રાગ રહે ને તે રાગ નિર્મૂળ ન થાય માટે તે જ્ઞાન વિષયાસક્તિએ સહિત કહેવાય, ને બીજું જ્ઞાન તો એવું જે તેમાં વિષયનો અવ્યક્ત રાગ લગારેય પણ ન રહે. માટે તે વિષયાસક્તિએ રહિત કહેવાય. હવે તે જ્ઞાન શું ? તો જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને યથાર્થ જાણવું તે તથા સ્થાવર, જંગમ જે જીવના ભેદ તે જાણવા તથા મનુષ્ય, દેવ, દૈત્ય તથા મરિચી આદિક પ્રજાપતિ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા વૈરાટપુરુષ, પ્રધાનપુરુષ અને મૂળ પ્રકૃતિપુરુષ એ સર્વેના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવાં તથા તેમની ઉત્પત્તિ જે રીતે થાય છે તે જાણવી. તથા તેમની સ્થિતિ જાણવી, તથા કાળે કરીને એ સર્વેનો નાશ થાય છે તે જાણવું. તથા પ્રથમ જે પ્રકારે પુરુષોત્તમ ભગવાને અક્ષર દ્વારાએ પુરુષને પ્રેર્યો કે માયા સાથે જોડાણો ને તે થકી પ્રધાનપુરુષ અનંત થયા ને તે એક પ્રધાનપુરુષ થકી અનંત કોટિ વૈરાટ થયા તે વાત પણ જાણવી. તથા અક્ષરધામ અને તેમાં અનંતકોટિ મુક્તે સેવ્યા એવા પુરુષોત્તમ નારાયણ જે શ્રી હરિકૃષ્ણ મહારાજ તે સદાય બિરાજમાન છે તેમને જાણવા. આવી રીતે એ સર્વેના સ્વરૂપને જાણવું તેને જ્ઞાન કહીએ. અને તે જ્ઞાન તથા વૈરાગ્યને પરસ્પર એમ છે જે જ્ઞાન વિના વૈરાગ્ય ન ઊપજે ને વૈરાગ્ય વિના જ્ઞાન સિદ્ધ ન થાય તે માટે પ્રથમ તો સ્થાવર જંગમથી આરંભીને પુરુષ પર્યંત એ સર્વેનાં સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ જાણીને પછી એમને ચાર પ્રકારના પ્રલયે કરીને નાશવંત જાણવાં ને એ સર્વેને વિષેથી મનને ઉદાસ કરીને તે સર્વેથી પર ચિદાકાશને વિષે સદા બિરાજમાન ને કિશોરમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તેમના સ્વરૂપમાં વૃત્તિને ઠેરાવવી.

હવે તે વૈરાગ્યને સંક્ષેપે કરીને કહીએ છીએ જે પ્રથમ તો નિત્યપ્રલયને જાણવો, જે વીર્યમાંથી આ દેહ બંધાય છે ને પછી તે ગર્ભ વૃદ્ધિને પામે છે ને પછી જન્મે છે, પૌગંડાવસ્થાને પામે છે, જુવાન થાય છે, વૃદ્ધાવસ્થાને પામે છે ને મરી જાય છે. તથા સવારે ખાધું હોય તે સાંજે ક્ષુધા લાગે છે તથા સાંજે ખાઈને સવારે ભૂખ્યો થાય છે. તથા પશુપક્ષી એ સર્વે ઊપજે છે ને તેનો નાશ થાય છે. તથા વૃક્ષે ફળફૂલ આવે છે ને વળી નાશ થાય છે તથા કોઈકનું કોઈ બાળે છે તથા કોઈક લઈ જાય છે તથા કોઈક ભાઈને તથા દીકરાને તથા બાપને મારી નાખે છે એ સર્વે નિત્ય પ્રલયનું દુઃખ જાણવું.

અને નૈમિત્તિક પ્રલય તો એને કહીએ જે જ્યારે ચૌદ મનુ એકોતેર એકોતેર ચોકડીનું રાજ્ય કરીને મરી જાય છે ત્યારે વૈરાટપુરુષની રાત પડી જાય છે. તે જ્યારે ચૌદમો મનુ થઈ રહે ત્યારે સો વરસ સુધી તો કાળ પડે છે ત્યારે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ એ સર્વેનો નાશ થઈ જાય છે તથા નદીયુંનાં જળ પણ સુકાઈ જાય છે. ત્યારે પૃથ્વીમાત્ર કાળા ઠીકરા જેવી રહે છે. ને ત્યાર પછી એકસો વરસ સુધી તો બાર સૂર્ય છે તે સોળ સોળ કળાનો પ્રકાશ લઈને ઊગે છે ને પૃથ્વીને બાળીને છાણાની રાખ જેવી કરે છે ને તે પછી શેષનાગના મુખમાંથી અગ્નિ નીકળે છે. તે અગ્નિ દસ લોકને બાળીને રાખ કરે છે. ને તે પછી સો વરસ સુધી હસ્તીની સૂંઢ જેવી છે ધારા જેની એવા જે પ્રલયકાળના તેર મેઘ વરસે છે, તેથી ધ્રુવના તારા સુધી જળ ભરાઈ જાય છે. ત્યારે દશ લોકમાં રહ્યા જે ઇન્દ્ર, ચન્દ્ર, વરુણ, યમ, શિવજી, પ્રજાપતિ એ સર્વેના દેહ નાશ થઈ જાય છે ને એમના જે જીવ છે તે બ્રહ્માને વિષે લીન થાય છે, ને બ્રહ્માનો દેહ નાશ થાય છે ત્યારે તે બ્રહ્માનો જે જીવ તે વૈરાટપુરુષની નાભિમાં લીન થઈ જાય છે તેને નૈમિત્તિક પ્રલય કહીએ.

અને એવા ત્રીસ દિવસનો વૈરાટનો મહિનો ને એવા બાર મહિનાનું એક વરસ ને એવા પચાસ વરસનું એક પરાર્ધ કહેવાય. એવાં દ્વિપરાર્ધનું વૈરાટનું આયુષ્ય છે. તે જ્યારે સો વરસ પૂરાં થાય છે ત્યારે પ્રથમ કહ્યું છે તેમ સો વરસ સુધી અનાવૃષ્ટિ થાય છે ને પછી સો વરસ સુધી બાર સૂર્ય તપે છે ને તે પછી સંકર્ષણના મુખમાંથી મહાઅગ્નિ પ્રગટે છે તે ચૌદેય લોકને બાળીને છાણાની રાખ જેવા કરે છે ને તે પછી પ્રલયકાળના જે મેઘ છે તે સો વરસ સુધી વરસે છે ત્યારે ચૌદેય લોકમાં જળ ભરાઈ જાય છે ને ત્યારે જે પૃથ્વી અડાયા છાણાની રાખ જેવી હતી તે ઓગળીને ગંધે સહિત જળને વિષે લીન થાય છે, ને તે પછી જળ રસને વિષે લીન થાય છે, ને રસ તેજને વિષે લીન થાય છે, ને તેજ રૂપને વિષે લીન થાય છે, ને રૂપ વાયુને વિષે લીન થાય છે, ને વાયુ સ્પર્શને વિષે લીન થાય છે, ને સ્પર્શ આકાશને વિષે લીન થાય છે, ને આકાશ શબ્દને વિષે લીન થાય છે, ને શબ્દ તામસાહંકારને વિષે લીન થાય છે, ને તામસાહંકાર રાજસાહંકારને વિષે લીન થાય છે, ને રાજસાહંકાર સાત્વિકાહંકારને વિષે લીન થાય છે, ને સાત્વિકાહંકાર મહત્તત્ત્વમાં લીન થાય છે, ને અનંત જે મહત્તત્ત્વ તે પ્રધાન જે પ્રકૃતિ તેને વિષે લીન થાય છે, ને તે પ્રધાન જે પ્રકૃતિ તે પુરુષને વિષે લીન થાય છે, ને પુરુષ તે મૂળ પ્રકૃતિને વિષે લીન થાય છે, એને પ્રાકૃતપ્રલય કહીએ. અને એ પ્રાકૃતપ્રલયે કરીને જેનો નિષેધ કર્યો હોય તેમાંથી જે જ્ઞાન પ્રગટે તેણે કરીને જીવમાંથી અવ્યક્ત વિષયનો રાગ ન ટળે. માટે એ જ્ઞાન વિષયાસક્તિએ સહિત કહેવાય તે માટે પૂર્વે જે જે મોટા આચાર્ય થયા છે તેને જ્ઞાન શાસ્ત્રમાં પ્રાકૃતપ્રલય સુધી જણાય છે, પણ તેથી અધિક નથી જણાતું તથા તેઓ મહાપુરુષને જ પુરુષોત્તમ જાણે છે.

અને આત્યંતિક પ્રલય તો એને કહીએ જે અનંત કોટિ જે પ્રધાન ને પુરુષ તે સર્વે મહામાયાને વિષે લીન થાય છે, ને મહામાયા તે મહાપુરુષને વિષે લીન થાય છે, અને મહાપુરુષ પણ એ દેહનો ત્યાગ કરીને પછી ભાગવતી તનુએ કરીને પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહે છે, તેને આત્યંતિક પ્રલય કહીએ.

અને આવી રીતે ચાર પ્રકારના પ્રલયે કરીને એ સર્વેને નાશવંત જાણીને પછી અખંડ, અનાદિ, સત્ય પરિમાણે રહિત ને અપરિમિત ઐશ્વર્યે સહિત જે અક્ષરધામ તેને વિષે સદા દિવ્યમૂર્તિ એવા પુરુષોત્તમનારાયણ તે અપરિમિત અક્ષર મુક્તે સેવ્યા થકા સદા બિરાજમાન છે ને તે પુરુષોત્તમ ભગવાન તથા અક્ષર મુક્ત તે સદા મૂર્તિમાન થકા બિરાજે છે પણ તેમના આકાર કોઈ દિવસ ટળે એવા નથી, એમ સમજે પણ એ સમજણ કોઈ દેશે કરીને કે કાળે કરીને કોઈ દિવસ ફરે નહિ અને ભગવાનને નિરાકાર માને નહિ ને સદા દિવ્ય સાકાર જ સમજે અને એવા જે એ પુરુષોત્તમ ભગવાન તે દયા કરીને આપણા કલ્યાણને અર્થે આંહીં પધાર્યા છે તેને સર્વે અવતારના અવતારી જાણીને પછી એ પુરુષોત્તમના સ્વરૂપને એમ સમજવું જે જ્યાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ જાણવું. તે માટે પૂર્વે કહ્યું તેમ સર્વેનો નિષેધ કરીને પછી એમ જાણવું જે અક્ષરને વિષે જે પુરુષોત્તમ છે તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિજી મહારાજ છે ને અક્ષર સોતા જ આંહીં પ્રગટ બિરાજે છે, આવી રીતનું જે જ્ઞાન તેને આત્યંતિક જ્ઞાન કહીએ. અને આવો જે જ્ઞાની તેનું ઐશ્વર્ય ભગવાનની પેઠે સ્વતંત્ર હોય ને એવા જ્ઞાની તો બહુ દુર્લભ છે, તે સાધારણ લાખ મનુષ્ય હોય તેમાંથી પોતપોતાના આશ્રમ પ્રમાણે વર્તે એવો એક નીકળે ને એવા લાખ મનુષ્ય હોય તેમાંથી યથાર્થ શાસ્ત્ર પ્રમાણે ધર્મ પાળે એવો એક નીકળે ને એવા લાખ ભેળા કરીએ ત્યારે સત્સંગ કરે એવો એક નીકળે ને એવા હજાર સત્સંગી ભેળા કરીએ ત્યારે નક્કી સત્સંગી એક નીકળે ને એવા હજાર સત્સંગી ભેળા કરીએ ત્યારે સાધુ થાય એવો એક નીકળે ને એવા હજાર સાધુ ભેળા કરીએ ત્યારે ધર્મામૃત પ્રમાણે યથાર્થ વર્તે એવો તો એક નીકળે ને એવા હજાર ભેળા કરીએ ત્યારે ભગવાનને સંભારે એવો એક નીકળે ને એવા હજાર ભેળા કરીએ ત્યારે પૂર્વ કહ્યું જે જ્ઞાન તેણે સહિત પ્રેમલક્ષણા ભક્તિ કરે એવો એક નીકળે. તે માટે એવું જે જ્ઞાન પામવું તે મહા કઠણ છે.।।૫૧૧।।



ટિપ્પણી

ચિદાકાશઃ શ્રીહરિજીની મૂર્તિમાંથી નીકળતો પ્રકાશ-અક્ષરબ્રહ્મ, અક્ષરઃ જુઓ

પૌગંડાવસ્થાઃ ૫ થી ૧૬ વર્ષની ઉંમર સુધીની કિશોર અવસ્થા.

પરાર્ધઃ આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ બરાબર બ્રહ્માના એક રાત્રિ-દિવસ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહે છે. એવા અઢાર હજાર નિમિત્ત થાય ત્યારે એક પરાર્ધ થાય. (સમયનું માપ.)