વાત : ૫૪૨

એક દિવસ મોટા સંતે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ પ્રધાન છે જેમને એવા જે પુરુષ તેમની વાર્તા કરી દેખાડી જે, જે મોક્ષપરાયણ વર્તતા હોય તેમના મનમાં કોઈ પદાર્થની સ્પૃહા ન હોય તે ગમે તે સ્ત્રી-પુત્રાદિક નાશ પામી જાઓ કે લાખોની દોલત હોય તે જાતી રહો કે ગામ ગરાસ હોય તે પણ જાતાં રહો પણ એના અંતરમાં એ કાંઈ ખટકે નહિ ને મૂંઝવણ પણ થાય નહિ ને નરસિંહ મહેતાની પેઠે શ્રીહરિજીનું ભજન સુખેથી કર્યા કરે પણ અંતરમાં બીજાની પેઠે દુખિયો થાય નહિ.।।૫૪૨।।